Shivbhadrasinhji Gohil Passed Away: ભાવનગરનાં મહારાજ કુમાર શિવભદ્રસિંહજી ગોહિલનું આજે(31મી મે) સવારે નિધન થયું છે. ભારતની એકતા માટે સરદાર વલ્લભભાઈ પટેલને પોતાનું રાજ્ય સૌ પ્રથમ સમર્પિત કરનારા પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર શિવભદ્રસિંહજીના નિધનથી ભાવનગર સહિત દેશના તમામ રાજવી પરિવારોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
ભાવનગરના શહેરના બોરતળાવ ખાતે ભાવવિલાસ પેલેસમાં શિવભદ્રસિંહજી ગોહિલના પાર્થિવ દેહને બપોરે 1થી સાંજે પાંચ કલાક સુધી અંતિમ દર્શને રખાશે. બાદમાં તેમની અંતિમ વિધિ થશે. સદગત શિવભદ્રસિંહજી પર્યાવરણ પ્રેમી અને પક્ષી વિદ હતા. તેમણે માત્ર ભાવનગર જ નહીં સમગ્ર રાજયમાં સ્વાધ્યાય પરિવારની પ્રવૃત્તિઓને ખૂબજ વેગ આપ્યો હતો. મહારાજ કુમાર શિવભદ્રસિંહ ગોહિલે 91 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. તેઓની ઘણાં લાંબા સમયથી તબિયત નાદુરસ્ત હતી.
સ્વર્ગસ્થના નિધનથી ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલ, યુવરાજ સાહેબ જયવીરરાજસિંહજી ગોહિલ સહિતના રાજકીય સામાજિક અગ્રણીઓએ સ્વર્ગીય શિવભદ્રસિંહજી ગોહિલને શ્રધ્ધા સુમન અર્પણ કરી શ્રધ્ધાંજલિ પાઠવી છે.