M S University Vadodara : એમ.એસ.યુનિવર્સિટીમાં હંગામી કર્મચારીઓની કામગીરીના આઉટસોર્સિંગ સામે કર્મચારી આલમમાં ભારે વિરોધ છે પણ સત્તાધીશો હંગામી નોકરી પણ છીનવી લેશે તેવા ડરથી કોઈ અવાજ નથી ઉઠાવી રહ્યુ પરંતુ ટેકનોલોજી ફેકલ્ટીના એક અધ્યાપકે આ કર્મચારીઓના સમર્થનમાં યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરને એક ખુલ્લો પત્ર લખીને આકરા પ્રહારો કર્યા છે.
ફેકલ્ટીના ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના અધ્યાપક જાગૃત ગાડીતે કહ્યું છે કે, કર્મચારી કોઈ ચીજ વસ્તુ નથી કે તેને નક્કી કરેલા ધારાધોરણ પ્રમાણે કોઈ વેપારી પાસે ખરીદવાના હોય..કર્મચારી સંસ્થાની કામગીરી સાથે ઉંડાણથી અને લાંબા ગાળાના ધ્યેયથી સંકળાય તો જ તેના કામની ગુણવત્તા જળવાઈ શકે છે. ટેકનોલોજી અને સાયન્સ જેવી ફેકલ્ટીઓમાં તો અધ્યાપકો જેટલુ જ મહત્વ લેબોરેટરીનુ સંચાલન કરનારા ટેકનિકલ કર્મચારીઓનુ હોય છે ત્યારે તેમની નિમણૂંક આઉટ સોર્સિંગથી ના થઈ શકે. એજન્સીએ મોકલેલા કર્મચારીઓ પાસેથી યુનિવર્સિટી પ્રત્યે નિષ્ઠા, સાતત્ય અને સ્વપ્રેરણાની અપેક્ષા રાખી શકાય નહીં.
અધ્યાપકે પત્રમાં કહ્યુ છે કે, મહારાજા સયાજીરાવે સ્થાપેલી આ યુનિવર્સિટી એક મજબૂત બ્રાન્ડ બની ચૂકી છે અને આ બ્રાન્ડનુ અવમૂલ્યન કરવા માટે આપણે બેઠા છે? કેમ્પસ પ્લેસમેન્ટમાં આપણા વિદ્યાર્થીઓ આઉટ સોર્સિંગ કરતી એજન્સીમાં નોકરી નથી મેળવતા બલકે વિવિધ કંપનીઓમાં નિયમિત નોકરી મેળવે છે. આપણે આઉટ સોર્સિંગ એજન્સીઓને પ્લેસમેન્ટ માટે બોલાવીશું? તો પછી કર્મચારીઓનુ આઉટ સોર્સિંગ કેમ? આ પ્રકારની નીતિથી તો યુનિવર્સિટીના વહિવટીતંત્રમાંથી રહ્યું સહ્યું સત્વ પણ ખતમ થઈ જશે. કર્મચારીઓની નિમણૂંકો જ બંધ કરી દેવાની નીતિ તો માથું દુખતુ હોય તો માથું કાપી નાંખવા જેવો ઉપાય છે. યુનિવર્સિટીએ સરકારની નીતિનો અમલ ચૂપચાપ કરવાની જગ્યાએ સરકારને અરિસો બતાવવાની જરૂર છે. કોઈ જાતની ચર્ચા કર્યા વગર આઉટ સોર્સિંગનો નિર્ણય લાગુ કરી શકાય નહીં.