રાજપૂતોની બેઠકમાં રૂપાલા ચાલુ રહે તો જલદ્ આંદોલનનો નિર્ણય : ઉપવાસી ક્ષત્રાણીની તબિયત લથડતા હોસ્પિટલે : રાજકોટમાં જંગી સંખ્યામાં ક્ષત્રિયો ઉમટતા પોલીસના ધાડા, કલે.કચેરીએ ઉગ્ર રકઝક

રાજકોટ, : રાજકોટ લોકસભાની બેઠક પરથી પુરૂષોત્તમ રૂપાલા જ લડશે તેવું ભાજપે વલણ સ્પષ્ટ કરતા ક્ષત્રિયોનો આક્રોશ વધ્યો છે અને હજુ ટિકીટ રદ થશે તેવી આશા અને અપેક્ષા સાથે  આંદોલનાત્મક કાર્યક્રમો જારી રખાયા છે. આજે રાજકોટ, જામનગર અને દ્વારકામાં ક્ષત્રિયોની વિશાળ રેલી યોજાઈ હતી જેમાં દરેક સ્થળે ક્ષત્રિય મહિલાઓની સંખ્યા પણ નોંધપાત્ર રહી હતી. ‘રૂપાલા હાય હાય’ના સૂત્રોચ્ચારો સાથે જય ભવાનીના નારા ગુંજી ઉઠયા હતા. તો રાજકોટમાં રાજપૂતોની યોજાયેલી સંકલન બેઠકમાં જો રૂપાલા યથાવત્ જ રહે તો જલદ્ કાર્યક્રમો આપવાનો નિર્ણય જાહેર કરાયો છે. 

રાજકોટમાં ધોમધખતા તાપમાં બહુમાળી ભવન પાસે ચાર વાગ્યે જંગી સંખ્યામાં ક્ષત્રિયો કેસરિયા સાફા બાંધીને ઉમટી પડયા હતા. કોઈ માઈક નહીં, સ્ટેજ નહીં, મંડપ નહીં, વાહનોની સરકારી વ્યવસ્થા નહીં છતાં ઉમેદવારી ભરતી વખતે હોય તેના કરતા મોટી સંખ્યામાં ક્ષત્રિયા ધસી આવ્યા હતા. રૂપાલાની ટિકીટ ન કપાય ત્યાં સુધી લડત જારી રાખવાના હાથ ઉંચા કરીને સોગંદ લેવાયા હતા. અનીચ્છનીય બનાવને રોકવા વજ્ર વાહન,વોટરકેનન સહિત આધુનિક વાહનો,સાધનો સાથે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને રેસકોર્સ તરફ જતો માર્ગ બંધ કરાયો હતો. અહીંથી 39-40  સે.તાપમાનમાં પગપાળા ક્ષત્રિયો અને ક્ષત્રાણીઓ જિલ્લા કલેક્ટર કચેરીએ જઈને કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ વ્યક્ત કરાયો ત્યારે ચિક્કાર જનમેદનીથી કલે.કચેરી ઉભરાઈ હતી અને આ વખતે કચેરી અંદર જવા મુદ્દે ક્ષત્રિયો સાથે પોલીસને ઉગ્ર રકઝક પણ થઈ હતી. આ દરમિયાન ઉપવાસ પર ઉતરેલા પદ્મિનાબા વાળાની તબિયત લથડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવાયા છે. 

શહેરની ગરાસિયા બોર્ડીંગ ખાતે રાજપૂત અગ્રણીઓની બેઠક મળી હતી જેમાં આજે અમદાવાદ-ગાંધીનગર આવતા કરણીસેનાના પ્રમુખ મહિપાલસિંહ મકરાણાની અટકાયત કરાઈ છે  તેના પરિણામો માટે ગૃહવિભાગની જવાબદારી થશે તેમ જણાવી આગેવાનોએ આગામી સમયમાં રૂપાલાના પ્રશ્ને ક્ષત્રિય સમાજ જરા પણ ઝૂકવાનો નથી અને જો ભાજપના આ નેતા ફોર્મ ભરશે તો ઉગ્ર આંદોલનની તૈયારી કરી છે જેની વિગતો હવે પછી જાહેર થશે તેમ જણાવ્યું હતું. શહેરમાં ક્ષત્રાણીઓએ બોયકોટ રૂપાલાના પોસ્ટર,પત્રિકા વિતરણ ઉપરાંત રૂપાલાની ટિકીટ કાપવા વડાપ્રધાનને પત્રો લખ્યા છે. જ્યારે તાજેતરમાં જિલ્લા તંત્રએ રૂપાલાને ક્લીન ચીટ આપતો રિપોર્ટ કર્યો તેનો વિરોધ કરીને ક્ષત્રિય આગેવાનોએ કેન્દ્રીય ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.  જામનગરમાં પણ આજે હાલાર જિલ્લા રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય ભાઈ-બહેનોની રેલી નીકળી હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપીને રૂપાલાની ટિકીટ રદ કરવા માંગ કરાઈ હતી. દ્વારકામાં પણ ગોમતીઘાટ પાસે આવેલ રાજપૂત સમાજની વાડીએથી ક્ષત્રિયોએ ભેગા થઈ રૂપાલા હાય હાયના સૂત્રો પોકારતા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવા ધસી ગયા હતા. દરેક સ્થળોએ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત રખાયો હતો. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *