મેલબોર્ન,૧૬ મે,૨૦૨૪,ગુરુવાર 

દર વર્ષે ભીષણ ગરમીના લીધે હીટવેવનું પ્રમાણ વધતું જાય છે. ગરમી અને લૂ લાગવાથી વિશ્વમાં વર્ષે ૧.૫૦ લાખથી વધુ લોકોના મુત્યુ થતા હોવાનો ચોંકાવનારો ખુલાસો મોનાશ યુનિવર્સિટીના એક નવા રિસર્ચમાં થયો છે. ઉલ્લેખનીય છે કે લૂ થી થતા મોતમાં ભારત ટોચ પર છે.  લૂથી થતા મરણની દર પાંચમી ઘટના ભારતમાં બને છે એટલે કે વાર્ષિક ૩૧૭૪૮ લોકોના મોત ઉંચા તાપમાન સંબંધિત સમસ્યાથી થાય છે.

ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટીના આ સ્ટડીમાં ૧૯૯૦ થી ૨૦૧૯ એમ ૩૦ વર્ષના ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મૌસમ પરિવર્તનથી થતા મુત્યુઅંગેની માહિતી બ્રિટનના મલ્ટી કન્ટ્રી રિસર્ચ નેટવર્ક  પરથી લેવામાં આવી હતી. આ નેટવર્કમાં ૪૩ દેશોમાં ૭૫૦ સ્થળો પર અતિ ગરમીથી થતા મરણની ઘટનાઓને ઉલ્લેખવામાં આવી હતી.

સૌથી વધુ ૪૯ ટકા લોકો લૂ નો ભોગ એશિયાના લોકો બને છે. ૩૧.૬ ટકા યુરોપ અને ૧૩.૮ ટકા ઘટનાઓ આફ્રિકામાં બને છે.અમેરિકામાં ૫.૪ ટકા જયારે ઓશિનિયામાં સૌથી ઓછી ૦.૨૮ ટકા ઘટનાઓ ધ્યાનમાં આવી હતી.છેલ્લા ૩૦ વર્ષ દરમિયાન લૂ લાગવાથી ૪૫૯૨૩૨૬ લોકોએ જીવ ગુમાવવા પડયા છે. 

સૌથી વધારે મુત્યુદર સૂકા અર્ધ સૂકા શુષ્ક જળવાયુ અને નિમ્ન તેમજ મધ્યમ આવક ધરાવતા ક્ષેત્રોમાં નોંધાય છે. લૂ નો કાળો કેર અને સમયગાળો બંને વધી રહયા છે. ઠંડા હવામાન માટે જાણીતા યુરોપના દેશોમાં ખતરો વધી રહયો છે. છેલ્લા ત્રણ દાયકામાં ગ્રીસ,માલ્ટા અને ઇટાલી, યુક્રેન,બલગેરિયા અને હંગેરીમાં મુત્યુદર સૌથી વધારે રહયો છે.  

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *