અમદાવાદ, બુધવાર
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂરી થતાંની સાથે રાજસ્થાન સહિત પર પ્રાંતિય બુટલેગરો દારુની ખેપ મારવા સક્રિય બની રહ્યા છે. બીજીતરફ અમદાવાદ પોલીસ પણ દારુની બદી રોકવા માટે કાર્યરત બની છે. ક્રાઇમ બ્રાંચે ચોક્કસ બાતમી આધારે નરોડાથી ચિલોડા વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને રાજસ્થાનથી આવતા નંબર પ્લેટ વગરના ટ્રેકટરને કોર્ડન કર્યું હતું. પોલીસે હાઇડ્રોલીક મશીનની મદદથી ટ્રોલી ઉંચી કરીને તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે ટ્રોલી નીચે ચોરખાનામાં વિદેશી દારુનો જથ્થો છૂપાવ્યો હતો. પોલીસે રાજસ્થાનના બે બુટલેગરોને રૃા. ૧ લાખના દારુનો જથ્થા સાથે કુલ ચાર લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસને થાપ આપવા નંબર પ્લેટ વગરના ટ્રેકટરની ટ્રોલી નીચે ચોરખાનું બનાવી દારુ છૂપાવ્યો ,ક્રાઇમ બ્રાંચે રાજસ્થાનના બે બુટલેગરને દબોચ્યા
ક્રાઇમ બ્રાંચ પીઆઇ, એમ.એલ. સાલુકેના જણાવ્યા મુજબ હિંમતનગર તરફથી રાજસ્થાનના બુટલેગરો ટ્રેકટરમાં દારુનો જથ્થો લઇને આવવાના છે આ માહિતી આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે વોચ ચિલોડા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી અને નંબર પ્લેટ વગરના ટ્રેકટરને કોર્ડન કરીને તપાસ કરતાં પ્રથમ દ્વષ્ટિએ તો ટ્રેકટરની ટ્રોલી ખાલી હતી પોલીસે હાઇડ્રોલીક મશીનની મદદથી ટ્રોલીને ઉંચી કરતાં ટ્રોલી નીચે ચોર ખાનામાં વિદેશી દારુના રૃપિયા એક લાખની કિંમતના બોક્સ મળી આવ્યા હતા.
પોલીસ સ્થળ ઉપરથી રાજસ્થાનના ડુંગરપુરના જયંતિભાઇ કાવાભાઇ ભગોરા (ઉ.વ.૨૬) અને ડુંગરપુરના જગદીશભાઇ મોતીલાલ મેણાત (ઉ.વ.૨૭)ની ધરપકડ કરી હતી અને દારુનો જથ્થો મોકલનારા રાજસ્થાનના કાંતીભાઇ કાવાભાઇ ભગોરા સામે ગુનો નોંધ્યો હતો અને ટ્રેકટર તથા દારુના જથ્થા સહિત કુલ રૃા.૪,૦૩,૮૩૦નો મુદ્દામાલ કબજે કરીને આ દારુનો જથ્થો અમદાવાદમાં કોને સપ્લાય કરવાનો હતો અને કેટલા સમયથી આ ગોરખધંધો કરતા હતા તે સહિતની તપાસ શરુ કરવામાં આવી છે.