કૃષિક્ષેત્રે નુક્શાનીનો તાકીદે સર્વે કરાવી વળતરની ખેડૂતોમાં તીવ્ર માંગ  : વીજળી પડતા મોરબીમાં યુવાનનું મોત : વાંકાનેર પંથકમાં સાત બકરાંના મોત, : ખાંભામાં 1 ઈંચ, જામનગર, રાજકોટ, જુનાગઢ, લાલપુર,  પાલીતાણામાં માવઠાં : રાજકોટ,સૌરાષ્ટ્રમાં મુંબઈ જેવી દુર્ઘટનાનો ઈંતજાર.. ઠેરઠેર જોખમી હોર્ડીંગો 

 રાજકોટ, : સૌરાષ્ટ્રમાં એક તરફ હીટવેવની આગાહી અને અસહ્ય તાપ વચ્ચે અચાનક ગાજવીજ અને તીવ્ર વંટોળિયા સાથે આવી પડતો કમોસમી વરસાદ આજે પણ જારી રહ્યો છે. રાજ્યમાં આજે રાત્રિ સુધીમાં  સૌથી વધુ વરસાદ મોરબીના ટંકારામાં દોઢ ઈંચ (33 મિ.મિ.) નોંધાયો છે જ્યારે મોરબી જિલ્લામાં વિજળી પડતા એક યુવાન અને સાત બકરાના મોત નીપજ્યાના અહેવાલો છે. રાજકોટ,જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળે આજે પણ માવઠાં વરસ્યાના અને સાથે બપોરે આભમાંથી અગનવર્ષા પણ જારી રહી છે.કૃષિક્ષેત્રને વ્યાપક નુક્શાનીની ફરિયાદો વચ્ચે સરકાર તાકીદે સર્વે કરાવીને ખેડૂતોને વળતર ચૂકવે તેવી ઠેરઠેરથી માંગણીઓ ઉઠી છે.

મોરબીમાં આંધી સાથે અર્ધો ઈંચ વરસાદ વચ્ચે રંગપર ગામની સીમમાં ઈશ્વરભાઈ કનુભાઈ ખરાડીયા (ઉ. 19) નામનો યુવાન પર વિજળી પડતા તેનું મૃત્યુ નીપજ્યાનું તાલુકા પોલીસમાં જાહેર થયું છે. જ્યારે વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વિજળી પડતા સાત બકરાંઓના મોત નીપજ્યા હતા. ખાખરાળામાં મીની વાવાઝોડુ ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા.

મુંબઈમાં હોર્ડીંગ પડવાની અતિ ગમખ્વાર દુર્ઘટના છતાં સૌરાષ્ટ્રમાં તોતિંગ હોર્ડીંગ જારી રહ્યા છે. આજે મોરબીના મહેન્દ્રનગર ચોકડીએ આજે તોતિંગ હોર્ડીંગ ધસી પડયું હતુ પરંતુ, સદ્ભાગ્યે સ્થળ પર કોઈ હાજર નહીં હોવાથી જાનહાનિ થઈ નથી. રાજકોટમાં આજે 20 ગેરકાયદે હોર્ડીંગ લગાડાયાનું ખુલ્યું છે, સૌરા,્ટ્રમાં ઠેરઠેર તોતિંગ હોર્ડીંગ બોર્ડ લટકી રહ્યા છે ત્યારે લોકો પર જોખમ ઝળુંબી રહ્યું છે.  ટંકારા પંથકમાં દોઢ ઈંચ વરસાદ સાથે તીવ્ર પવન ફૂંકાતા આઈ.ટી.આઈ. પર લગાવેલ સોલર પેનલમાં મોટુ નુક્શાન થયું હતું તેમજ આસપાસના વૃક્ષો ધસી પડયા હતા. 

જામનગરમાં પણ બપોર બાદ હવામાન પલટાયું હતું અને ધૂળની આંધી ઉડવા સાથે વરસાદી ઝાપટાં વરસ્યા હતા. જિલ્લાના લાલપુરમાં 4 મિ.મિ.વરસાદ નોંધાયો છે.૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો અને વાહનચાલકો તોફાની પવન વચ્ચે ભારે મૂશ્કેલી વેઠવી પડી હતી. લાલપુરમાં પાણી ભરાયા હતા અને બાજરી,જુવાર સહિત પાકને વ્યાપક નુકશાન થયું છે. 

રાજકોટમાં આજે 42થી 43 સે.તાપમાન વચ્ચે  કાળઝાળ તડકાની સાથે અચાનક હવામાન પલટાયું હતું અને ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં ઝાપટાં પડયા હતા. આજે સવાર સુધીના ચોવીસ કલાકમાં શહેરમાં પવનની મહત્તમ ઝડપ 63 કિ.મી.નોંધાઈ છે. જુનાગઢમાં આજે સવારે ઝાપટાં વરસ્યા બાદ બપોર પછી તડકો નીકળ્યો હતો. જ્યારે ભાવનગરના પાલીતાણામાં 2 મિમિ.વરસાદ નોંધાયો છે. 

અમરેલીના ખાંભામાં આજે એક ઈંચ વરસાદ ત્રાટક્યો હતો.  જિલ્લામાં કમોસમી વરસાદ આજે પણ જારી રહ્યો છે. તોફાની પવનથી ગઈકાલે તારાજી સર્જાઈ હતી અને આશરે 100 વિજપોલ, વૃક્ષો ધરાશાયી થયા હતા. જીનીંગ મિલોમાં કપાસની ગાંસડીઓને તથા  પ્રોસેસ કરેલા કપાસને અને કપાસિયાને પણ મોટાપાયે નુક્શાનીના અહેવાલો છે. બાબરા જી.આઈ.ડી.સી.ના પતરાંના શેડ ઉડી ગયા હતા. લાઠીના ધારાસભ્યએ નુક્શાની અંગે સરકારને પત્ર લખી સહાયની માંગણી કરી છે. બાજરો, જુવાર, મગ, ડુંગળી સહિતના પાકમાં મોટી નુક્શાની ગઈ છે. 

રાજ્યમાં આ ઉપરાંત આજે ડાંગ આહવામાં અર્ધો ઈંચ, વઘાલ અને સુબિર તાલુકામાં વરસાદી ઝાપટા, બનાસકાંઠાના વડગામ અને સાબરકાંઠાના પોશીના સહિતના સ્થળે પણ વરસાદ નોંધાયો છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *