માધવપુરમાં આરોગ્ય તંત્રનું કામ પોલીસે પાર પાડયું : પર્દાફાશ કર્યા બાદ પોલીસે ગુનો નોંધ્યોઃ રૂ. 97,000નાં ઇન્જેક્શન- દવા અને ચેક-અપનાં સાધનો પણ કબ્જે

 પોરબંદર, : પોરબંદરના માધવપુર ગામે ઓલ્ડ એસ.એસ.સી. પાસ 66  વર્ષના એક વૃદ્ધ મેડિકલ પ્રેક્ટીસ કરતા પકડાતા માધવપુર પોલીસ મથક ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.સરકારમાન્ય ડિગ્રી ન હોય એવી વ્યક્તિ જે આપી ન શકે એવી દવાઓ તથા મેડિકલ ચેક-અપનાં સાધનો પણ તેની પાસેથી મળી આવ્યાં હતા.

માધવપુર ગામે ઓલ્ડ એસ.એસ.સી. સુધી ભણેલો એક વૃદ્ધ લાંબા સમયથી લોકોનાં આરોગ્ય સાથે ચેડા આદરીને ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટીસ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. માધવરાયજીના મંદિર પાસે કન્યા શાળાની સામે રહેતા ભગવાનજી તુલસીદાસ કારીયા નામના ૬૬ વર્ષના વૃદ્ધે વગર ડિગ્રીએ તેના ઘરે દવાખાનું શરૂ કર્યાનું અને મકાનમાં જ સારવાર નિદાન કરતો હોવાનું ખૂલતાં પોલીસે તેને ડોકટર તરીકેની કાયદેસરની ડિગ્રી રજુ કરવાનું કહેતા તેણે એવું જણાવ્યું હતું કે પોતે ઓલ્ડ એસ.એસ.સી. પાસ છે. આથી પોલીસે ત્યાં તપાસ કરતા અલગ-અલગ પ્રકારની હોમિયોપેથીક દવાઓ મળી આવી હતી. રૂ.૯૭૯૭૮ની કિંમતના દવા કેપ્સ્યુલ, ઈન્જેકશન અને મેડિકલ તપાસણીના સાધનો કબ્જે કર્યા હતા.

પોલીસે સુભાષનગરના મેડિકલ ઓફિસર રવિ આર ગરચરનો અભિપ્રાય મેળવતા આ પ્રકારની દવાઓ સરકાર માન્ય ડિગ્રી સિવાય આપી શકાય નહી તેમ જણાવતા પોલીસે ભગવાનજી કારીયાની ધરપકડ કરી હતી અને 2830 રૂપિયાની રોકડ કબ્જે કરી હતી. આરોપીને પોલીસ સ્ટેશન ખાતે લાવીને પુછપરછ હાથ ધરવામાં આવી હતી. તેની સામે અનઅધિકૃત રીતે અન્ય વ્યક્તિની શારીરિક સલામતી જોખમમાં મુકાય એવી રીતે બેદરકારીથી મેડીકલ પ્રેક્ટીસ કર્યા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો અને આગળની તપાસ માધવપુરના હેડ કોન્સ્ટેબલ સી.એચ.સોલંકી ચલાવે છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *