જીયાણા ગામના પૂર્વ સરપંચની ધરપકડ
ત્રણ વર્ષથી બંને સંતાનોને લઇને જતી રહેલી પત્ની પરત આવે તે માટે ઘણી માનતાઓ માની, પૂજા પાઠ કર્યા હતા
રાજકોટ: રાજકોટ નજીકના જીયાણા ગામમાં આવેલા બંગલાવાળી મેલડી માતા, રામાપીરના મંદિર અને વાસંગીદાદાના મંદિરમાં આગ લગાડવાના ગુનામાં એરપોર્ટ પોલીસે ગામના પૂર્વ સરપંચ અરવિંદ મગનભાઈ સરવૈયા (ઉ.વ.૪૦)ની ધરપકડ કરી હતી. ભગવાન પરથી વિશ્વાસ ડગમગી જતાં આ કૃત્ય કર્યાની તેણે કબૂલાત આપી છે.
બે દિવસ પહેલા રાત્રે ગામમાં મેલડી માતા અને રામાપીરના મંદિરમાં આગ લગાડી દેવાતા મૂર્તિ અને છબી નષ્ટ થઇ હતી. જ્યારે વાસંગીદાદાના મંદિરની બહાર આગ લગાડવામાં આવી હતી. આ ઘટનાને કારણે ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. ગઇકાલે એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પીઆઈ ગામીતે સીસીટીવી ફૂટેજ વગેરેના આધારે તપાસ આગળ ધપાવી આરોપી અરવિંદની અટકાયત કરી હતી.
પૂછપરછમાં તેણે જણાવ્યું કે ત્રણેક વર્ષ પહેલા તેની પત્ની બંને સંતાનોને લઇને પિયર જતી રહી હતી. ત્યારથી તે એકલો રહે છે. પત્ની અને સંતાનો પરત આવે તે માટે તેણે ગામના મંદિરોમાં ઘણી પ્રાર્થના ઉપરાંત માનતાઓ રાખી હતી. પરંતુ આમ છતાં તેની પત્ની અને સંતાનો પરત આવ્યા ન હતા.
અધૂરામાં પૂરું તાજેતરમાં જ તેને સરપંચની ચૂંટણીમાં મદદ કરનાર મિત્રનું મોત નિપજતાં તેનો પણ તેને આઘાત લાગ્યો હતો. તેને સતત એવું લાગતું હતું કે તે નિયમિતપણે મંદિરોમાં પૂજા-પાઠ કરે છે, માનતાઓ રાખે છે. આમ છતાં તેની સાથે ખરાબ થઇ રહ્યું છે. પરિણામે ભગવાન પરથી તેનો વિશ્વાસ ડગમગી જતાં આવેશમાં આવી તેણે મંદિરોમાં આગ લગાડી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આરોપી અરવિંદે ગામમાં મેલડી માતાનું મંદિર બનાવ્યું છે. જો કે તેમાં તેણે આગ લગાડી ન હતી. ગામના સીમાડે જે મેલડી માતાનું મંદિર છે તેમાં તેણે આગ લગાડી હતી.
એરપોર્ટ પોલીસે તેની ઘનિષ્ઠ પૂછપરછ જારી રાખી છે.