– પોઇચા જેવા પ્રોજેક્ટ માટે સાબરમતી નદીના કિનારે જમીન ખરીદવા ડાયરેકટ ખરીદીને બદલે મધ્યસ્થી રાખે તો ફાયદો થશે કહી ચાર ભાગીદાર વચ્ચે સરખા ભાગની લાલચ આપી હતી
– પોલીસમાં અરજી કરી તો સમાધન કરાર કરી રૂ. 1.70 કરોડની સામે માત્ર રૂ. 37.65 લાખ ચુકવ્યા

સુરત

આણંદ જિલ્લાના તારાપુરના રીંઝા ગામમાં સાબરમતી નદીના કિનારે પોઇચા જેવો સ્વામીનારાયણ મંદિરનો પ્રોજેકટ તૈયાર કરવા 700 વિંઘા જમીનના સોદોમાં મધ્યસ્થી તરીકે ચાર ભાગીદારો વચ્ચે 25-25 ટકા નફાની લાલચ આપી પુણા બોમ્બે માર્કેટ રોડના ડોક્ટર અને તેના પિતરાઇ પાસેથી રૂ. 1.70 કરોડ પડાવ્યા હતા. જો કે ડોક્ટરે પોલીસ કાર્યવાહી કરતા સમાધાન કરાર કરી રૂ. 36.75 લાખ ચુકવ્યા બાદ આજ દિન સુધી સમાધાનની શરતો મુજબ રૂ. 1.34 કરોડ પરત નહીં આપનાર સ્વામીનારાયણ સંપ્રદાયના જૂનાગઢ જે.કે. સ્વામી અને બે દલાલ સહિત સાત વિરૂધ્ધ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

વરાછા-પુણા બોમ્બે માર્કેટ રોડ સ્થિત વિવેકાનદ સોસાયટીમાં ક્લિનીક ચલાવતા ડો. બાલકૃષ્ણ બાલુબાઇ હડીયા (ઉ.વ. 42 રહે. ઓમ કોમ્પ્લેક્ષ, પરવટ પાટિયા અને મૂળ. ખુટવાડા, તા. મહુવા, ભાવનગર) વર્ષ 2015 માં બારડોલી ખાતે મિત્રની હોસ્પિટલના ઉદ્દઘાટનમાં સુરેશ ઘોરી સાથે મુલાકાત બાદ મિત્રતા થઇ હતી. વર્ષ 2016 માં સુરેશ ઘોરીએ આણંદના તારાપુર તાલુકાના રીંઝા ગામમાં સાબરમતી નદીના કિનારે સ્વામીનારાયણ સંપ્રદાયના જૂનાગઢના મહંત જે.કે. સ્વામી પોઇચા ગામના સ્વામીનારાયણ મંદિર જેવો પ્રોજેક્ટ કરવા ઇચ્છે છે અને જમીન લેવા વાળા અને જમીન વેચવાવાળા પણ તૈયાર છે. પરંતુ જે.કે. સ્વામી ડાયરેક્ટ જમીન ખરીદવામાં વિશ્વાસ રાખતા નથી અને ડાયરેકટ રોકાણ કરે તો ફાયદો નહીં થાય અને ફાયદો મેળવવા મધ્યસ્થી રાખે છે. મધ્યસ્થીને જે ફાયદો મળે તેમાંથી ભાગીદારોમાં નફો વહેંચણી કરવાની લાલચ આપતા ડો. બાલકૃષ્ણએ તેના પિતરાઇ કેતન હડીયા સાથે પ્રોજેક્ટમાં રોકાણ કરવાનું નક્કી કરી માર્ચ 2016 માં રીંઝા ગામ ખાતે જમીન સુરેશ ઘોરી સાથે જમીન જોવા ગયા હતા. જયાં તારાપુર ચોકડી પાસે સ્નેહલ નામના વ્યક્તિ સાથે પરિચય કરાવી તેની ઓળખ સ્વામીના ખજાનચી તરીકે આપી હતી અને સ્નેહલે લેપટોપમાં પોઇચા જેવા મંદિરની થ્રીડી ઇમેજ બતાવી જમીન સોદો વહેલી તકે કરવાનું કહ્યું હતું. મહિના બાદ રીંઝા ગામ ખાતે સુરેશ ઘોરીએ સુરેશ ભરવાડ સાથે મુલાકાત કરાવી હતી અને નદી કિનારે 700 વિંઘા જમીન જુદા-જુદા ખેડૂત પાસેથી ખરીદી છે અને પેમેન્ટ ચુકવો એટલે દસ્તાવેજ કરાવી આપવાનું કહ્યા બાદ ચોટીલા-લિંબડી હાઇવે ઉપર હરિભક્તના પેટ્રોલપંપ ઉપર સિક્યુરીટી સાથે આવેલા જે.કે. સ્વામી સાથે મુલાકાત કરી હતી. જયાં જમીનનો ભાવતાલ નક્કી કરી સ્વામીએ જમીનનું 25 ટકા પેમેન્ટ મોકલાવવાનું કહ્યું હતું. જેથી ડો. બાલકૃષ્ણએ બાના પેટે રૂ. 1 લાખ સુરેશ ભરવાડને આપ્યા હતા. પરંતુ સ્વામી પેમેન્ટ નહીં મોકલાવતા સોદો કેન્સલ નહીં થાય તે હેતુથી ડોક્ટર અને કેતન હડિયાએ રોકડા રૂ. 1 કરોડ એપ્રિલ 2016 માં સુરેશ ભરવાડને રૂ. 100 ના સ્ટેમ્પ પેપર ઉપર 700 વિંઘા જમીનના સર્વે નંબરની માહિતી સાથે લખાણ કરીને આપ્યા હતા. ડોક્ટરે વારંવાર ઉઘરાણી કરતા માત્ર એક વખત સ્વામીએ આંગડિયા મારફતે રૂ. 5 લાખ મોકલાવ્યા હતા પરંતુ ત્યાર બાદ સ્થાનિક પરંતુ કેનેડાના હરિભક્તો પાસેથી ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં પેમેન્ટ આવશે એમ કહી વાયદા કર્યા હતા. ત્યાર બાદ એકાઉન્ટમાં પૈસા આવી ગયા છે પરંતુ આર.બી.આઇમાં અટવાયા છે અને સેટીંગ કરવું પડશે એમ કહી ડોક્ટર પાસે રૂ. 50 લાખ દિલ્હી ખાતે વિવક અને દર્શન શાહના નામે આંગડિયું કરાવ્યું હતું. આ રીતે ટુક્ડે-ટુક્ડે 700 વિંઘા જમીનના સોદોમાં મધ્યસ્થી તરીકે ચાર ભાગીદાર વચ્ચે 25-25 ટકાના નફાની લાલચ આપી કુલ રૂ. 1.70 કરોડ પડાવી લીધા હતા અને ડોક્ટરે અરજી કરતા સમાધાન કરાર કરી રૂ. 36.75 લાખ પરત આપ્યા હતા. પરંતુ આજ દિન સુધી બાકી રૂ. 1.34 કરોડ પરત નહીં ચુકવતા છેવટે વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

કોના-કોના વિરૂધ્ધ ફરિયાદ નોંધાય
– સ્વામીનારાયણ સંપ્રદાયના જૂનાગઢના જે.કે. સ્વામી
– સ્વામીના ખજાનચી તરીકે ઓળખ આપનાર સ્નેહલ
– જમીન દલાલ સુરેશ તુલસી ઘોરી (રહે. ગંગાસાગર એપાર્ટમેન્ટ, વરાછા)
– જમીન દલાલ સુરેશ શાર્દુલ ભરવાડ (રહે. ખોડિયારનગર સોસાયટી, ચાંદલોડીયા, અમદાવાદ)
– સ્વામીના ભાઇ અતુલ ત્રિકમ સાંગાણી (રહે. ભગવતી કૃપા સોસાયટી, સરથાણા)
– દિલ્હીના રહેવાસી વિવેક અને દર્શન શાહ

….અને જે.કે. સ્વામીએ કહ્યું ઠાકોરજીની ઇચ્છા હોય તો બધુ થાય
રીંઝા ગામ ખાતે જમીન જોવા જનાર ડો. બાલકૃષ્ણ અને તેના પિતરાઇ લિંબડી-ચોટીલા હાઇવે ઉપર હરિભક્તના પેટ્રોલપંપ ઉપર ગયા હતા. જયાં જે.કે. સ્વામી રેંજ રોવર કારમાં આગળ-પાથળ પાયલોટીંગ અને બે કમાન્ડો સાથે આવ્યા હતા. સ્વામીની એન્ટ્રી જોઇ ડોકટર અને તેનો પિતરાઇ ચોંકી ગયા હતા અને જમીનનો ભાવતાલની વાત કરી હતી. ખેડૂત પાસેથી મધ્યસ્થી તરીકે વિંઘાના રૂ. 5.80 લાખમાં જમીન ખરીદવાની હતી પરંતુ સ્વામીનારાયણ મંદિરના પ્રોજેક્ટ માટે તે જમીન રૂ. 10.11 લાખના ભાવે વેચાણનો સોદો નક્કી કર્યો હતો. જેમાં ખેડૂતને રૂ. 5.80 લાખ ચુકવ્યા બાદ બાકીના રૂ. 4.20 લાખમાં સ્વામી, સુરેશ ઘોરી, સ્નેહલ અને ડોક્ટર તથા તેના પિતરાઇ વચ્ચે સરખે હિસ્સે વહેંચવાનું નક્કી કર્યુ હતું. વિંઘાદીઠ રૂ. 4.20 લાખનો ગાળિયો હોવાથી ડોક્ટરે સ્વામીને કહ્યું હતું કે મધ્યસ્થી તરીકે અમે છીએ તો કોઇ પ્રોબ્લેમ કે લોચો નહીં થાય ને ? તો સ્વામીએ તેના પ્રત્યુત્તરમાં કહ્યું કે ઠાકોરજીની ઇચ્છા હોય તો બધુ થાય, બાકી આવા પ્રોજેક્ટમાં લાભ લેવા ઘણા લોકો લાઇનમાં હોય છે અને ઠાકોરજી ઉપર વિશ્વાસ રાખો.

પેમેન્ટ કેનેડાથી આવશે અને આરબીઆઇમાં સેટીંગ માટે રૂ. 50 લાખ પડાવ્યા
જમીનનું 25 ટકા પેમેન્ટ મોકલાવવાનું કહેનાર જે.કે. સ્વામીએ માત્ર એક વખત રૂ. 5 લાખ આંગડિયામાં મોકલાવ્યા હતા. ત્યાર બાદ વાયદા કર્યા હતા અને પેમેન્ટ અહીંથી જે હરિભક્તો આપવાના હતા તેમની પાસે લેવાના નથી અને જમીનનું પેમેન્ટ કેનેડાથી આવશે એમ કહી ડોક્ટરના નામે કરંટ ખાતુ ખોલાવ્યું હતું. ત્યાર બાદ કેનેડાની રોયલ બેંક ઓફ કેનેડામાંથી 14,80,350 ડોલર ટ્રાન્સફર થયા છે પરંતુ કે.વાય.સી નો પ્રોબ્લેમ છે તે ક્લિયર કરાવ્યું હતું. ડોક્ટરે બેંકમાં જઇ તપાસ કરતા મેનેજરે એક મેઇલની પ્રિન્ટ આપી હતી જેમાં કેનેડાથી જે પૈસા આવવાના છે તે કયાં સંદર્ભે આવવાના છે તે અંગેની સ્પષ્ટતા માંગી હતી. જેથી ડોક્ટરે સ્વામી અને સ્નેહલનો સંર્પક કરતા તમે ચિંતા નહીં કરો પેમેન્ટ આવી ગયું છે પરંતુ આરબીઆઇમાં અટવાયું છે, સેટીંગ કરવું પડશે એમ કહી દિલ્હીના ચાંદીન ચોકમાં વિવેક અને દર્શન શાહના નામે રૂ. 50 લાખનું આંગડિયું કરાવડાવ્યું હતું.

દિલ્હીના વિવેકે ફોન કરી કહ્યું તમારી સાથે ફ્રોડ થયું છે અને ભાંડો ફૂટયો
આરબીઆઇમાં સેટીંગ માટે જેના નામે રૂ. 50 લાખનું દિલ્હીના ચાંદની ચોકમાં આંગડિયું કર્યુ હતું તે વિવેક અને દર્શન શાહ પૈકી વિવેકે ડોક્ટરને ફોન કરીને કહ્યું હતું કે તમારી સાથે ફ્રોડ થયું છે, હું તમને તમારા પૈસા પરત આપી દઇશ પરંતુ તમે સુરેશ ઘોરીને પકડીને દબાણ કરો તો તે તમારા પૈસા કઢાવી આપશે. જેથી ડોક્ટર ચોંકી ગયો હતો અને આર્થિક ગુના નિવારણ શાખામાં અરજી કરી હતી. જેથી દોડતા થયેલા સ્વામીની તરફેણમાં અંકલેશ્વની ગૌશાળાના માધવપ્રિય સ્વામીની મધ્યસ્થીમાં સમાધાનની મિટીંગ થઇ હતી. જેમાં સ્વામી વતી તેના ભાઇ અતુલ સાંઘાણીએ રૂ. 25 લાખ, સુરેશ ઘોરીએ રૂ. 25 લાખ, સુરેશ ભરવાડે રૂ. 71 લાખ પરત આપવાનું કહ્યું હતું. પરંતુ તે પૈકી માત્ર રૂ. 36.75 લાખ જ ડોક્ટરને પરત મળ્યા હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *