ટયુશનના વિદ્યાર્થીને જ ઈન્ટરનલ માર્ક અપાતા હોવાની ફરિયાદ
વાલીઓને ખંખેરવા માટે શાળા સંચાલકોના કારસ્તાનોને કારણે વિદ્યાર્થીએ આઠથી દસ કલાક સ્કૂલમાં રહેવું પડે છે ઃ પગલાં લેવાની માગણી સાથે રજૂઆત
રાજકોટ: રાજકોટની જાણીતી ખનગી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વાલીઓને ખંખેરવા માટે શાળા સમયબાદ એકસ્ટ્રા કલાસ કે ડે સ્કુલના નામે ટયુશનનો ધમધોકાર ધંધો ચાલાવતા હોવાની વિગતો સાથે આજરોજ અહી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસીએશન દ્વારા આવેદનપત્ર આપી આ પ્રકારની અનધિકૃત પ્રવૃતિઓ બંધ કરવાની તાકીદ કરવામાં આવી હતી.
રાજકોટ શહેરમાં સ્વનિર્ભર શાળાઓ દ્વારા મનફાવે તેમ ફી વસુલવામાં આવ્યા બાદ ખાનગી ટયુશનનાં નામે એકસ્ટ્રા ટાઈમમાં વિદ્યાર્થીઓને બોલાવીને વાલીઓ પાસેથી પૈસા પડાવવામાં આવે છે. ગ્રાન્ટેડ કે ખાનગી શાળા આ પ્રકારે પોતાના શૈક્ષણિક કાર્યનાં બિલ્ડીંગમાં ખાનગી ટયુશન કલાસ ચલાવી શકે નહી નિયમ વિરુધ્ધ શહેરની કેટલીક શાળાઓમાં ટયુશન કલાસ ચાલે છે. જે ગેરકાયદે હોવાનું જણાવી ફેડરેશન ઓફ એકેડેમિક એસો. દ્વારા આ પ્રકારની પ્રવૃતિ બ દલ શાળાની માન્યતા રદ કરવાની માંગણી કરવામાં આવી હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ ૧૯૭૨ મુદા નંબર ૧૬માં જણાવ્યા મુજબ કોઈપણ શાળા ૬ કલાકતી વધુ સમય બાળકોને શાળામાં રોકી શકે નહીં અને ભણાવી શકે નહી છતાં રાજકોટની કેટલીક શાળાઓ નિયમભંગ કરી બાળકોને આઠ આઠ, દસ દસ કલાક બાળકો ને શાળામાં રોકી રાખે છે. (૨) ધો.૧૦માં ઈન્ટરનલ માર્કનો ઉપયોગ જે વિદ્યાર્થીઓ શાળાના ખાનગી ટયુશનમાં જાય છે તેને આપવામાં આવે છે. તેથી આ પ્રકારની પ્રથા સદંતર રદ કરવી જોઈએ (૩) સરકારી શાળાનાં શિક્ષકો બાળકોને ટયુશન કરાવી શકે નહી તેમ છતાં ગેરકાયદેસર રીતે ટયુશન કરાવવામાં આવે છે. આ બાબતોને ધ્યાનમાં લઈને પગલાં લેવાની તાકીદ કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારીએ રજૂઆત સંદર્ભે જણાવ્યું હતું કે, રાજકોટની શાળામાં અત્યારે તો વેકેશન છે. તેથી ખુલતા સત્ર બાદ તપાસ હાથ ધરાશે. તેથી રજૂઆત કર્તાઓએ ફરીને અમો નવા સત્રમાં રજૂઆત માટે આવીશું. તેમ જણાવ્યું હતું.