– ઘર બદલ્યું તો ત્યાં આવી ચાકુ મારવાની ધમકી આપી હતી
– હોટલમાં લઈ જઈ શરીરસંબંધ બાંધી પાડેલા ફોટા વાયરલ કરવાની પણ ધમકી આપી અપરણિતે રૂ.1.70 લાખ પડાવ્યા હતા
સુરત, : સુરતના નાના વરાછા વિસ્તારમાં પતિ અને બાળકો સાથે રહેતી 32 વર્ષીય આદિવાસી પરિણીતાની સાથે મિત્રતા કેળવી અવારનવાર શરીરસંબંધ બાંધી દાગીના-રોકડ પડાવનાર યુવાનને કાપોદ્રા પોલીસે ઝડપી પાડી તેનો કબજો એસીપી ( એસસી/એસટી સેલ ) ને સોંપ્યો છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના નાના વરાછા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પતિ અને બાળકો સાથે રહેતી 32 વર્ષીય આદિવાસી પરિણીતા મનીષા ( નામ બદલ્યું છે ) સાથે મિત્રતા કેળવી ઓયો હોટલમાં લઈ જઈ શરીર સંબંધ બાંધી પાડેલા ફોટા વાયરલ કરવાની પણ ધમકી આપી અવારનવાર શરીરસંબંધ બાંધી બાંધકામ સાઈટ ઉપર સુપરવાઈઝર તરીકે નોકરી કરતા અપરણિત યુવાન રવિ વસોયાએ રૂ.1 લાખના દાગીના અને રોકડા રૂ.70 હજાર પડાવ્યા હતા.પરિણીતાના પતિને આડા સંબંધની જાણ થતા ઝઘડા પણ થયા હતા.યુવાનથી કંટાળી પરિણીતાએ ઘર બદલ્યું તો નવા ઘરે આવી ચાકુ મારવાની ધમકી આપી હતી.આથી છેવટે મનીષાએ રવિ વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે તેના મોબાઈલ નંબરના આધારે તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.
દરમિયાન, હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ લાભાભાઈ અને કોન્સ્ટેબલ કરણસિંહ ચન્દ્રસિંહને બાતમી મળી હતી કે રવિ તેના ઘરે આવ્યો છે.આથી કાપોદ્રા પોલીસે વોચ ગોઠવી રવિ ભરતભાઈ વસોયા ( ઉ.વ.23, રહે.501, માં ભવાની વીલા, સીમાડા ગામ, સરથાણા, સુરત. મૂળ રહે.લીખાડા, તા.સાવરકુંડલા, જી.અમરેલી ) ને ઝડપી લીધો હતો.કાપોદ્રા પોલીસે તેનો કબજો એસીપી ( એસસી/એસટી સેલ ) ને સોંપ્યો છે.વધુ તપાસ એસીપી ( એસસી/એસટી સેલ ) એમ.ડી.ઉપાધ્યાય કરી રહ્યા છે.