Haryana Politics: લોકસભાની ચૂંટણી વચ્ચે હરિયાણામાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ હરિયાણાના રાજ્યપાલને પત્ર લખ્યો છે. જેમાં તેમણે રાજ્યપાલને વિધાનસભાનું સત્ર બોલાવવા અને ફ્લોર ટેસ્ટની માંગ કરવા કહ્યું છે. નોંધનીય છે કે, હરિયાણામાં ભાજપ સરકારમાંથી ત્રણ અપક્ષ ધારાસભ્યોએ સમર્થન પાછું ખેંચી લીધું છે અને આવી સ્થિતિમાં સરકાર લઘુમતીમાં આવી ગઈ છે.

દુષ્યંત ચૌટાલાએ ફ્લોર ટેસ્ટની માગ કરી 

હરિયાણાના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને જેજેપી નેતા દુષ્યંત ચૌટાલાએ પત્રમાં લખ્યું કે, ‘અમે વર્તમાન સરકારને ટેકો આપતા નથી અને હરિયાણામાં સરકાર બનાવવા માટે કોઈપણ અન્ય રાજકીય પક્ષને સમર્થન આપવા માટે અમારા દરવાજા ખુલ્લા છે. બે ધારાસભ્યોના રાજીનામા બાદ ગૃહમાં સંખ્યાબળ 88 થઈ ગયું છે. આવી સ્થિતિમાં ભાજપ પાસે 40, કોંગ્રેસ પાસે 30, જેજેપી પાસે 6, હાલોપા અને આઈએનએલડી પાસે 1-1 ધારાસભ્ય છે. તેથી સરકાર પાસે બહુમતીના આંકડા નથી. તેથી સરકારે વિધાનસભાનું સત્ર બોલાવીને ફ્લોર ટેસ્ટ પાસ કરવો જોઈએ.’

હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈનીની પ્રતિક્રિયા

હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈનીએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, ‘લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના નેતાઓ પોતાની ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ સરકાર લઘુમતીમાં નથી અને ખૂબ જ મજબૂતીથી કામ કરી રહી છે. સરકારને કોઈપણ પ્રકારની સમસ્યા નથી.’

હરિયાણામાં રાજકીય ગણિત શું છે?

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને આઝાદ રણજીત ચૌટાલાના રાજીનામા પછી, 90 સભ્યોની હરિયાણા વિધાનસભામાં હાલમાં 88 ધારાસભ્યો છે, જ્યારે નાયબ સૈનીની આગેવાની હેઠળની ભાજપે બહુમત માટે 45ના આંકડાને સ્પર્શ કરવો પડશે. સરકાર પાસે હાલમાં 44 ધારાસભ્યોનું સમર્થન છે, જેમાં ભાજપના 40, આઝાદના 2 અને હરિયાણા લોકહિત પાર્ટીના 1 ધારાસભ્ય ગોપાલ કાંડાનો સમાવેશ થાય છે. ત્રણ અપક્ષ ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચી લીધો છે. 12મી માર્ચે જ ભાજપે ખટ્ટરને હટાવીને નાયબ સૈનીને હરિયાણાના નવા મુખ્યમંત્રી બનાવ્યા હતા. બીજી તરફ કોંગ્રેસના નેતા અને પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહના પુત્ર દીપેન્દ્ર હુડ્ડાએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગ કરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *