– વિસ્ફોટક સામગ્રી ભરેલી ગાડીઓથી દુર્ઘટનાનો ભય
– ખાણ-ખનીજ વિભાગ અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ આંખ આડા કાન કરતું હોવાના આક્ષેપ
સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના નાના મઢાદ ગામ આસપાસનાં વિસ્તારમાં આવેલી પથ્થરોની ખાણોમાં બ્લાસ્ટિંગ થતાં નાના મઢાદ અને આસપાસનાં વિસ્તારમાં ફરી ધરા ધુ્રજી ઉઠતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. બપોરે ચાર વાગ્યા આસપાસના સમયે થયેલા બ્લાસ્ટના લીધે મકાનોના બારી-બારણાં ધુ્રજી ઉઠયા હતા.
નાના મઢાદ ગામ પાસેના વિસ્તારમાં બુધવારે બપોરે પથ્થરોની ખાણમાં બ્લાસ્ટ થયો હતો. ખાણમાં પથ્થરો તોડવા માટે જીલેટીન બ્લાસ્ટ કરવામાં આવતો હોવાનું અને બ્લાસ્ટના લીધે નજીકના વિસ્તારોમાં ધરતીકંપ જેવી ધુ્રજારીનો અનુભવ થતો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.
બ્લાસ્ટ થવાના કારણે ઘરમાં બારી, બારણાં, પંખા સહિતની વસ્તુઓ ધુ્રજી ઉઠી હતી. તેમજ અવારનવાર બ્લાસ્ટ થવાના કારણે કાચા અને જૂના જર્જરીત મકાનોમાંથી પોપડા ખરતા હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે.
તેમજ ખાણોમાં પથ્થરો તોડવા માટે ઉપયોગમાં લેવાતી જીલેટીન સ્ટીક સહિતની વિસ્ફોટક સામગ્રી ભરેલી ગાડીઓ નાના મઢાદ ગામની વચ્ચેથી જ પસાર થતી હોવાથી દુર્ઘટના સર્જાવાની ભીતિ ગ્રામજનોમાં સેવાઈ રહી છે.
ઉપરાંત બ્લાસ્ટિંગના કારણે ધુળ અને ધુમાડો ઉડતા ગ્રામજનોના સ્વાસ્થ્ય અને ખેતરોમાં રહેલા પાકને નુક્સાન પહોંચતું હોવાની રજૂઆત અનેકવાર ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે. તેમછતાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોવાનો રોષ સ્થાનિકોએ ઠાલવ્યો હતો. તથા ફરીવાર બ્લાસ્ટ થતાં ખાણ-ખનીજ વિભાગ ખનીજ માફિયાઓને છાવરતું હોવાનો આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યો હતો.