અમદાવાદ, મંગળવાર
ગોમતીપુર વિસ્તારમાં બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા બોલ વાગતા ચાલુ રિક્ષા નો કાચ તૂટી ગયો હતો. ત્યારબાદ બાળકો દોડીને ચાલીમાં આવી ગયો હતો અને રીક્ષા ચાલકે આવીને કાચ તોડનારા છોકરાને પકડતા સ્થાનિક લોકો વચ્ચે પડયા હતા, છોકરાના દાદા સમાધાન કરવાની વાત કરતા હતા, દરમિયાન બાજુની ચાલીમાં રહેતો શખ્સ આવ્યો અને તકરાર કરી જતો રહ્યો થોડીવારમાં તલવાર લઈને આવીને વચ્ચે પડનારા યુવક ઉપર તલવારથી હુમલો કર્યો હતો
ચાલું રિક્ષાને બોલ વાગતા કાચ તૂટયો રીક્ષા ચાલક સાથે સમાધાન કરતા હતા અને સાગરીતે આવીને વચ્ચે પડનારા યુવકને તલવાર મારી
ગોમતીપુરમાં રહેતા અને કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા યુવકે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગોમતીપુરમાં રહેતા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૬ ના દિવસે તેઓ અહેમદી સોસાયટીના નાકે ઉભા હતા ત્યારે ચાલીના બાળકો ક્રિક્રેટ રમતા હતા. આ દરમિયાન એક બાળકે શોટ મારતા રસ્તા પર જતી રિક્ષાના આગળના ભાગે બોલ વાગતા કાચ તૂટયો હતો, દોડી આવીને રિક્ષા ચાલકે બાળકને પકડી લીધો હતો. ત્યારે ફરિયાદીએ બાળકના દાદાને જાણ કરી હતી અને રિક્ષા ચાલક સાથે નુકસાન બાબતે વાતચીત કરતા હતા.
દરમિયાન આરોપી ત્યાં આવ્યો હતો અને રિક્ષા ચાલકનું ઉપરાણુ લઇને ગાળો બોલીને બાળકના દાદા સાથે ઝઘડો કર્યો હતો. ત્યારે ફરિયાદીએ વચ્ચે પડીને છોડાવતા આરોપીએ તલવાર વડે હુમલો કર્યો હતો. આસપાસના લોકો ભેગા થતા આરોપી ત્યાંથી નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.