અમદાવાદ, બુધવાર
કાલુપુર રેલવે સ્ટેશન ઉપર દિન પ્રતિદિન બહાર ગામથી આવતા જતા મુસાફરોના કિંમતી માલ સામાનની ચોરીના બનાવો વધી રહ્યા છે. એટલું જ નહી પોલીસ દ્વારા ચોરીના મોટા ભાગના ગુના પણ ઉકેલવામાં આવતા નથી. ઉત્તરાખંડના વતની અને મહેસાણા ખાતે બીએસએફમાં સર્વિસ કરતા આધેડ મોરબી જવા માટે કાલુપુર રેલવે સ્ટેશને ટ્રેનની રાહ જોઇને બેઠા હતા આ સમયે ગઠિયાએ મિત્રતા કેળવી હતી જેથી આધેડ સામાન સાચવવાનું કહીને વોશરુમ ગયા હતા પરત આવ્યા ત્યારે ગઠિયાએ તેમની બેગમાંથી રૃા. ૫૦૦૦નો મોબાઇલ ચોરી લીધો હતો અને તેમની બેન્કમાંથી રૃા. ૧.૨૬ લાખ ઉપાડી લીધા હતા. આ બનાવ અંગે કાલુપુર રેલવે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
હું પણ ફોર્સમાં છું કહી મિત્રતા કેળવી, આધેડ સામાન સાચવવાનું કહી બાથરુમ ગયાને ગઠિયાએ બેગમાંથી મોબાઇલની ચોરી કરી ઘટના સીસીટીવીમાં કેદ
મૂળ ઉત્તરાખંડના વતની અને મહેસાણા ખાતે બીએસએફ કેમ્પમાં નોકરી કરતા આધેડે આ કાલુપુર રેલવે સ્ટેશન પોલીસમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે એક સપ્તાહ પહેલા ફરિયાદીને મોરબી ખાતે ઇલેક્શન ડયુટીમાં જવાનું હોવાથી તેઓ કાલુપુર રેલવે સ્ટેશને ટ્રેનની રાહ જોઇને બેઠા હતા. દરમિયાન એક અજાણ્યા શખ્સે પોતે પણ ફોર્સમાં નોેકરી કરતા હોવાની વાત કરીને મિત્રતા કેળવી હતી અને પોતાનો સમાન સાચવાનું કહીને થોડી વારમાં પરત આવ્યો હતો.
ત્યારબાદ ફરિયાદી પણ આરોપીને પોતાની બેગ સાચવવાનું કહીને વોશરૃમ તથા ચા નાસ્તો કરવા ગયા હતા આવ્યો ત્યારે આરોપી ત્યાંથી નાસી ગયો હતો. તેમણે બેગમાં તપાસ કરતાં તેમનો રૃા. ૫૦૦૦નો મોબાઇલ ગાયબ હોવાની જાણ થઇ હતી. આ સમયે ટ્રેન આવતાં તે મોરબી રવાના થયા હતા. ત્યાં ગયા બાદ ખબર પડી કે તેમના બેન્ક એકાઉન્ટમાંથી ટુકડે ટુકડે ગઠિયાએ રૃા. ૧.૨૬ લાખ ઉપાડી લીધા હતા. ફરિયાદીએ ગઇકાલે આવીને ચેક કરાવતા કાલુપુર રેલ્વે સ્ટેશનના સીસીટીવી કેમેરામાં ચોરી કરતા દ્રશ્યો કેદ થયા હતા. આ ઘટના અંગે કાલુપુર રેલવે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.