અમદાવાદ, બુધવાર
શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચમનપુરા ખાતે વાહન ઉપર પગ મૂકવા બાબતે તકરાર થઈ હતી જેની અદાવત રાખીને યુવકને માથા સહીત શરીરે લોખંડના પાઇપના ફટકા મારી તથા પથ્થરથી હુમલો લોહી લુહાણ કર્યા બાદ ઘર પાસે તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. આ તકરારમાં સામે પક્ષે પણ મારા મારી કરતા યુવકને પતરું વાગતા ઇજાઓ થઇ હતી. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે સામ સામે બન્ને પક્ષે પાંચ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવકને માથા સહિત શરીરે પાઇપના ફટકા, પથ્થર માર્યા સામે પક્ષે યુવકને પતરું વાગતા બન્ને સારવાર હેઠળ શાહીબાગ પોલીસે સામ સામે ગુનો નોંધ્યો
અસારવા ચમનપુરામાં રહેતા અને કોલેજમાં અભ્યાસ કરતા યુવકે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક સહિત પરિવારના ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક પોતાના મિત્રો સાથે ગઇકાલે બપોરે નરોડા વિસ્તારમાં હોટલમાં જમવા માટે ગયો હતો આ સમયે તેની બહેનને ફોન કરીને કહ્યું કે તેમની પડોશમાં રહેતા શખ્સોએ બાળકે તેમના બાઇક ઉપર પગ મૂકવા બાબતે તકરાર કરીને ગાળો બોલે છે.
જેથી યુવક બપોરે ૩ વાગે ઘરે આવ્યો હતો આ સમયે પડોશી ચાર શખ્સોએ યુવકને ગાળો બોલવા લાગ્યા હતા જેથી યુવકે ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇને ઢોર માર મારીને પાઇપથી હુમલો કરીને માથામાં તથા પીઠમાં પાઇપના ફટકા મારીને માથામાં પથ્થર મારીને યુવકને લોહી લુહાણ કરીને ઘર પાસે પડેલા સામાનની તોડફોડ કરીને આતંક મચાવીને નાસી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સામે પક્ષે મનીષ પટણીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પર્વત પટણી સામે ફરિયાદ નોંધાવી છે કે તું તકરારમાં કેમ પડે છે કહી મારા મારી કરતાં ફરિયાદી યુવકને પતરું વાગ્યું હતું. આ ઘટના અંગે શાહીબાગ પોલીસે બન્ને પક્ષે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.