વિસાવદરના નાની પીંડાખાઈ ગામે આયોજન કર્યું હતું : ઓફિસને તાળુ લાગી ગયું, ફોન બંધ થઈ ગયાવરઘોડીયા અને તેમના પરિવારજનો લગ્નની તૈયારીને બદલે પોલીસ સ્ટેશન દોડી ગયા
જૂનાગઢ, : વિસાવદર પંથકમાં સમૂહ લગ્નના નામે ટ્રસ્ટના સંચાલકોએ વરઘોડિયા પાસેથી નાણાં ઉઘરાવી લગ્નનું આયોજન કર્યું હતું. પરંતુ લગ્નને પાંચ દિવસ પહેલા આયોજકો જ રફુચક્કર થઈ જતા વરઘોડિયા અને તેમના પરિવારજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. છેતરપિંડીનો ભોગ બનનાર વરઘોડિયાઓએ લગ્નની કામગીરી પડતી મૂકી વિસાવદર પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા થઈ ગયા છે.
વિસાવદર તાલુકાના નાની પીંડાખાઈ ગામે તા. 13મે ના સર્વ જ્ઞાાતિ 51 સમૂહ લગ્નનું જાનકી જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં જોડાવા માગતા વર કન્યાએ 11-11,000 રૂપિયાની રકમ ભરવાની હતી તે મુજબ જૂનાગઢ, વિસાવદર, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ભરના ૫૧ લગ્ન કરવા માંગતા વરઘોડિયાઓએ નાણાં ભરી દીધા હતા. જેમાં આયોજકો દ્વારા તેમને નાણાભર્યાની પહોંચ પણ આપવામાં આવી હતી. હવે લગ્નને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સમૂહ લગ્નનું સોશિયલ મીડિયામાં બનાવેલા ગ્પમાં આયોજકોએ અચાનક જ મેસેજ મૂકી દીધો કે તા. 13-5-24ના યોજાનાર સમૂહ લગ્ન અનિવાર્ય સંજોગોના કારણે તા. 14-6-24 ના યોજવામાં આવશે.
આ અંગે અમુક વરઘોડિયાઓએ આયોજકોનો સંપર્ક કર્યો હતો. આયોજકોએ જવાબ આપ્યો કે સમૂહ લગ્નના જે દાતા છે તેને એટેક આવી ગયો છે જેના કારણે હોસ્પિટલની દોડાદોડીમાં હોવાથી લગ્નનું આયોજન મોડું રાખવામાં આવ્યું છે. તમારો જે કરિયાવર છે તે લઈ જવાનું કહેવામાં આવ્યું હતું. કરિયાવર લેવા માટે વરઘોડિયા વિસાવદર ખાતે જાનકી જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટની જૂનાગઢ રોડ સ્થિત આવેલી ઓફિસ ખાતે પહોંચ્યા તો ત્યાં અલીગઢના તાળા મારેલા હતા. ત્યારબાદ આયોજકોનો ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તમામ આયોજકોના ફોન પણ બંધ આવે છે. આવી સ્થિતિના કારણે જેઓના લગ્ન થવાના હતા તે 51 નવદંપતિઓ અને તેમના પરિવારજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને તેઓમાં દોડધામ મચી ગઈ છે.
આ સમગ્ર મામલે છેતરપિંડીનો ભોગ બનનાર કાચા જયેશભાઈ નામના વ્યક્તિએ અને તેમની સાથે અન્ય ભોગ બનનાર તમામ લોકો વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા. સમૂહ લગ્નનું આયોજન કરનાર ભરત ઉસદડીયા, રહે બગડુ, મહેશ ગજેરા રહે નાની પીંડાખાઈ અને મનસુખ વઘાસીયા રહે ઢેબર વાળા વિરુદ્ધ પોલીસમાં અરજી આપી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરી છે. આ અંગે સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો ભોગ બનનાર લોકોએ જણાવ્યું હતું કે અચાનક જ સમૂહ લગ્નના આયોજકો ગુમ થઈ જતા ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કેમ કે, આ અંગેની આયોજકોએ કંકોત્રી પણ છપાવી હતી તે કંકોત્રી સગાવ્હાલાને આપી દેવામાં આવી હતી. હવે લગ્ન બંધ રહેવાથી કેવી રીતે આયોજન કરવું તે પણ એક સવાલ ઊભો થયો છે. સમૂહ લગ્નમાં જોડાનાર મોટાભાગના સામાન્ય પરિવારના લોકો હોવાથી તેમને કેવા પ્રકારની નિર્ણય કરવો તે પણ વિટંબણા ઊભી થઈ છે. અમુક વરઘોડિયાઓએ હવે તેમને મેળે જ ટૂંકમાં લગ્નનું આયોજન કરવા તૈયારી શરૂ કરવી પડી છે.
70થી 80 ચીજવસ્તુઓ કરીયાવરમાં આપવાના હતા !
સમૂહ લગ્નના આયોજકોએ આ લગ્નમાં જોડાનાર તમામ દંપતિઓને 70થી 80 પ્રકારના અલગ અલગ જાતની ચીજ વસ્તુઓ કરિયાવરમાં આપવાની લાલચ આપી હતી. જેમાં અનેક કિંમતી વસ્તુઓ પણ દાતાઓના સહયોગથી સમુહ લગ્નના આયોજકો આપવાના હોવાનો કંકોત્રીમાં પણ ઉલ્લેખ કર્યો હતો. આમ હવે સમુહ લગ્નના નામે નાણાં એકઠા કરી આયોજકો રફુચક્કર થઈ જતા 51 દંપતિઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.