રાજકોટના ઉદયનગર વિસ્તારની ઘટના બંનેને લોહીલુહાણ હાલતમાં સિવીલમાં ખસેડાયા, ઘરકંકાસ અને શંકા-કુશંકા કારણભૂત બન્યાની પોલીસને માહિતી મળી
રાજકોટ, : રાજકોટના મવડીમાં આવેલા ઉદયનગર-1 શેરી નં.19 માં માતાને ત્યાં રહેતી પ્રિતીબા (ઉ.વ. 39)ને ગઈકાલે સાંજે તેના પતિ મહેન્દ્રસિંહ તોગુભા જાડેજા (ઉ.વ. 40)એ છરીના આડેધડ ત્રણેક ઘા ઝીંકી દીધા બાદ પોતાના ગળા પર પણ છરીનો ઘા ઝીંકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બંનેને લોહીલુહાણ હાલતમાં સિવીલમાં ખસેડાયા હતા.
માલવીયાનગર પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ઘરકંકાસ અને શંકા-કુશંકાને કારણે આ ઘટના બની હતી. મહેન્દ્રસિંહ મવડી શાકમાર્કેટમાં બકાલાનો વેપાર કરે છે. 13 વર્ષ પહેલાં તેણે લગ્ન કર્યા હતા. સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. પત્ની પ્રિતીબા સાથે છેલ્લા કેટલાક દિવસથી માથાકૂટ ચાલતી હતી. જેથી પ્રિતીબા નજીકમાં રહેતા માતાના ઘરે જતા રહ્યા હતા.
ગઈકાલે કોઈ નિર્ણય લેવા માટે મિટીંગ ગોઠવાઈ હતી. જે માટે મહેન્દ્રસિંહ પત્ની પ્રિતીબાને તેની માતાના ઘરે લેવા ગયા બાદ આવેશમાં આવી છરીના ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ પોતાના ગળા પર પણ છરીનો ઘા ઝીંકી હાથમાં છરકા પણ કર્યા હતા. બંનેને લોહીલુહાણ હાલતમાં સિવીલમાં ખસેડાયા હતા.
જાણ થતાં માલવીયાનગર પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી. પરંતુ પ્રિતીબા નિવેદન આપી શકે તેમ ન હોવાથી તેની ફરિયાદ નોંધી શકી ન હતી. એએસઆઈ કે.યુ. વાળાએ સરકાર તરફે ફરિયાદી બની મહેન્દ્રસિંહ વિરૂધ્ધ આપઘાતનો પ્રયાસ કર્યાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. મહેન્દ્રસિંહ હાલ ઉદયનગર-1 શેરી નં. 23 માં રહે છે.