Image: Wikipedia

International Cricket: ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારવી દરેક ખેલાડીની ઈચ્છા હોય છે. ઘણા તેમાં સફળ થાય છે તો ઘણા નિષ્ફળ. ટેસ્ટ ક્રિકેટમાં જેસન ગિલેસ્પી, સકલેન મુશ્તાક, અજિત અગરકર, અનિલ કુંબલે અને હરભજન સિંહ જેવા દિગ્ગજ બોલર પણ સદી ફટકારી ચૂક્યા છે જ્યારે ચેતન ચૌહાણ અને માઈક બ્રેરલી જેવા ટોપ ઓર્ડર બેટ્સમેનના કરિયરમાં એક પણ સદી નોંધાઈ નથી. અમુક ખેલાડી તો ટેસ્ટ ક્રિકેટમાં 99 રનના દુર્ભાગ્યશાળી સ્કોર પર આઉટ થઈને એક રનથી સદી ચૂક્યા છે.

ટેસ્ટ ક્રિકેટમાં 99ના સ્કોર પર આઉટ થનાર બેટરોની સંખ્યા ઘણી છે પરંતુ તેમાં કેટલાક એવા ખેલાડી પણ છે જે 99ના સ્કોર પર આઉટ થયા બાદ ક્રિકેટમાં ક્યારેય 100 રનનો આંકડો સ્પર્શી શક્યા નહીં. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેમના કરિયર પર સદી વિના જ વિરામ લાગી ગયો.

આ બેટરો જે ટેસ્ટમાં 99 રન પર આઉટ થયા તેમ છતાં ક્યારેય સદી ફટકારી શક્યા નહીં…

નોર્મન યાર્ડલે

ઈંગ્લેન્ડના નોર્મન યાર્ડલેના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 27 સદીની સાથે 18 હજારથી વધુ રન નોંધાયા છે પરંતુ તે ટેસ્ટ ક્રિકેટમાં ક્યારેય સદી બનાવી શક્યો નહીં. વર્ષ 1938થી 1950 ની વચ્ચે 16 ટેસ્ટમાં ઈંગ્લેન્ડની કેપ્ટનશિપ કરનાર યાર્ડલે મિડલ ઓર્ડરનો બેટર હોવાની સાથે જમણા હાથનો બોલર પણ હતો. 20 ટેસ્ટ રમનાર યાર્ડલેનો ટોપ સ્કોર 99 રન રહ્યો જે તેણે જૂન 1947માં દક્ષિણ આફ્રિકા સામે બનાવ્યો હતો. પોતાની કેપ્ટનશિપ વાળી ટેસ્ટમાં 99ના સ્કોર પર દક્ષિણ આફ્રિકી બોલર ઓસી ડોસનથી આઉટ થયા બાદ યાર્ડલ ક્યારેય સદી ફટકારી શક્યો નહીં. 

જોન બેક

ન્યૂઝીલેન્ડના જોન બેકે 1953માં દક્ષિણ આફ્રિકા સામે જોહાનિસબર્ગમાં કરિયરની શરૂઆત કરી. આ સિરીઝના અંતર્ગત કેપટાઉનમાં રમવામાં આવેલી ત્રીજી ટેસ્ટમાં તે 99 રન બનાવીને રન આઉટ થયો. ઝડપથી સ્કોર વધારવામાં માહિર બેકે આઠ ટેસ્ટના ઈન્ટરનેશનલ કરિયરમાં ત્રણ હાફ સેન્ચ્યુરી ફટકારી પરંતુ ક્યારેય સદી ફટકારી શક્યો નહીં.

મકસૂદ અહમદ

પાકિસ્તાન મકસૂદ અહમદે 1952થી 1955 વચ્ચે 16 ટેસ્ટ રમી. ભારત સામે વર્ષ 1955ના લાહોર ટેસ્ટમાં મકસૂદ ચોથા નંબરે બેટિંગ માટે ઉતર્યો અને 99 રન પર આઉટ થયો. લેગ બ્રેક બોલર સુભાષ ગુપ્તેને સ્ટેપ આઉટ કરીને મારવાના પ્રયત્નમાં તેને વિકેટકીપર નરેન્દ્ર તમ્હાણેએ સ્ટમ્પ કર્યો. મકસૂદનું કરિયર સદી વિના જ પૂરુ થઈ ગયુ.

રુસી સુરતી

ડાબા હાથના બેટર અને બોલર રુસી સુરતીએ ફર્સ્ટ ક્લાક ક્રિકેટમાં છ સદીની મદદથી 8 હજારથી વધુ રન બનાવ્યા સિવાય 284 વિકેટ લીધી પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના ટેલેન્ટના અનુરુપ સફળતા મેળવી શક્યો નહીં. 26 ટેસ્ટમાં 9 હાફ સેન્ચ્યુરીની મદદથી 1263 રન બનાવ્યા અને 42 વિકેટ લીધી. માર્ચ 1968માં ન્યૂઝીલેન્ડ સામે ઓકલેન્ડ ટેસ્ટની બીજી ઈનિંગમાં સદી બનાવવાની તક હતી પરંતુ 99 રન બનાવ્યા બાદ ઝડપી બોલર ગેરી બાર્લેટના હાથે આઉટ થયો. સામાન્યરીતે ચોથા અને પાંચમા ક્રમ પર બેટિંગ કરનાર પારસી ક્રિકેટર સુરતી ટેસ્ટ ક્રિકેટના કોઈ પણ અડધી સદીને સદીમાં બદલી શક્યો નહીં. 

માર્ટિન મોક્સોન

ઈંગ્લેન્ડના માર્ટિન મોક્સોન પણ તે બેટરોમાં સામેલ છે જે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા છતાં ટેસ્ટમાં સદી ફટકારી શક્યો નહીં. તેનું ઈન્ટરનેશનલ કરિયર 10 ટેસ્ટ અને 8 વનડે સુધી જ સીમિત રહ્યું. વર્ષ 1985થી 1989 સુધી ઈંગ્લેન્ડ માટે રમનાર મોક્સોને ટેસ્ટનો ટોપ સ્કોર ફેબ્રુઆરી 1988માં ન્યૂઝીલેન્ડ સામે ઓકલેન્ડમાં બનાવ્યો. ઓપનર તરીકે ઉતરેલા મોક્સોનને 99 રનના સ્કોર પર ઝડપી બોલર ઈવાન ચેટફીલ્ડના બોલ પર જેફ ક્રો એ કેચ કર્યો. ટેસ્ટમાં 3 અને વનડેમાં એક અડધી સદીની સાથે કરિયર પર વિરામ લાગી ગયુ.

દીપક પટેલ

ભારતીય મૂળના દીપક પટેલે 1987થી 1997ની વચ્ચે ન્યૂઝીલેન્ડ માટે 37 ટેસ્ટ અને 75 વનડે રમી. ઓફ બ્રેક બોલિંગ સિવાય ઉપયોગી બેટર પણ હતો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 26 સદીની સાથે 15 હજારથી વધુ રન બનાવ્યા પરંતુ ટેસ્ટમાં 5 અને વનડેમાં એક અડધી સદી જ બનાવી શક્યો. જાન્યુઆરી 1992માં ઈંગ્લેન્ડ સામે ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં 99ના સ્કોર પર રન આઉટ થઈને સદી ગુમાવી. તે બાદ 3 અડધી સદી બનાવી પરંતુ કોઈને પણ સદીમાં બદલી શક્યો નહીં. સદી વિના જ ઈન્ટરનેશનલ કરિયર પૂર્ણ થઈ ગયુ.

શેન વોર્ન

જમણા હાથનો લેગ બ્રેક બોલર શેન વોર્નને વિશ્વના મહાન સ્પિનર્સમાં ગણવામાં આવે છે. 145 ટેસ્ટમાં 708 વિકેટ લીધી. ટેસ્ટ ક્રિકેટમાં વોર્નથી વધુ વિકેટ શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે છે. 194 વનડેમાં પણ 293 વિકેટ લીધી. નીચલા ક્રમમાં પણ ઠીક બેટર વોર્ને ટેસ્ટ ક્રિકેટમાં 12 અને વનડેમાં એક અડધી સદી ફટકારી પરંતુ ટેસ્ટમાં સદી બનાવવાનું સ્વપ્ન અધૂરું રહી ગયુ. નવેમ્બર 2001માં ન્યૂઝીલેન્ડ સામે ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં 99 રન પર સ્પિનર ડેનિયલ વેટોરીના હાથે આઉટ થયો. શેન વોર્ન ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદી બનાવી શક્યો નહીં. 

આસિમ કમાલ

પાકિસ્તાનના આસિમ કમાલની બેટિંગ ટેસ્ટ ક્રિકેટની દ્રષ્ટિએ સૂટ કરતી હતી. વિકેટ પર લંગર નાખીને રમવા માટે ફેમસ હતો. મિડલ ઓર્ડરના બેટર કમાલની પાસે ડેબ્યૂ ટેસ્ટમાં જ સદી ફટકારીને કમાલ કરવાની તક હતી પરંતુ દક્ષિણ આફ્રિકા સામે લાહોરમાં થયેલી ટેસ્ટમાં 99 રન બનાવ્યાના આંદ્રે નેલના બોલ પર બોલ્ડ થઈ ગયો. 12 ટેસ્ટના કરિયરમાં 37.73ની સરેરાશથી 717 રન બનાવ્યા તેમાં આઠ અડધી સદી હતી પરંતુ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક પણ સદી ફટકારી શક્યો નહોતો.

મિચેલ સ્ટાર્ક

ટેસ્ટ ક્રિકેટમાં 99 રન પર આઉટ થનાર અંતિમ બેટર ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક છે. જોકે 34 વર્ષનો સ્ટાર્ક હજુ પણ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સક્રિય છે અને તેની પાસે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 99 રનના સ્કોરને શ્રેષ્ઠ કરવાની તક છે. સ્ટાર્ક અત્યાર સુધીમાં 89 ટેસ્ટ, 121 વનડે અને 60 ટી20I રમી ચૂક્યો છે, તેમાં તે ટેસ્ટમાં 10 અને વનડેમાં એક હાફ સેન્ચ્યુરી બનાવી ચૂક્યો છે. ટેસ્ટમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર 99 રન તેણે માર્ચ 2013માં ભારત સામે મોહાલીમાં બનાવ્યો હતો પરંતુ ઈશાંત શર્માની બોલ પર આઉટ થવાના કારણે તે એક રનથી સદી ચૂકી ગયો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *