Lok Sabha Election : નવસારી લોકસભામાં આવતા ગ્રામ્ય વિસ્તારની ત્રણ વિધાનસભામાં બપોરે એક વાગ્યા સુધીમાં 42 થી 43 ટકા જ્યારે સુરત શહેરી વિસ્તારમાં આવતી ચાર વિધાનસભામાં 34 થી 38 ટકા મતદાન થતાં સુરતના કાર્યકરો દોડતા થયા છે. શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં મતદાનની ટકાવારી વધુ છે તે જાણ્યા બાદ સુરત ભાજપના કાર્યકરોએ મતદાન વધુ થાય તે માટે પ્રયાસ કર્યો હતો પરંતુ ગરમી તથા આ વખતે મતદારોમાં ઉદાસીનતાના કારણે ભાજપના મતદારોને પરસેવો પડી રહ્યો છે.
સુરત લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર કરાયા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉમેદવાર છે તેવી નવસારી લોકસભામાં મતદાન માટે સુરત લોકસભામાં આવતા ભાજપના નેતાઓ-કોર્પોરેટરોને જવાબદારી સોંપવામા આવી છે. તેમ છતાં સુરત શહેર વિસ્તારમાં આવતી લિંબાયત, ચોર્યાસી. મજુરા અને ઉધના વિધાનસભા કરતાં ગ્રામ્ય નવસારી ગ્રામ્ય વિસ્તારમાં આવતી જલાલપોર, ગણદેવી અને નવસારી વિધાનસભામાં મતદાન ઝડપી થઈ રહ્યું છે.
ભાજપના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત ભાજપના કાર્યકરો દ્વારા બુથ મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે સવારે મતદાન મથકો પર ભીડ ચાલતી હતી પરંતુ બપોર બાદ મતદાનની પ્રક્રિયા ધીમી થઈ હતી. બપોરે એક વાગ્યા સુધીમાં સુરત શહેરમાં આવતી ચાર વિધાનસભામાં 34થી 38 ટકા વચ્ચે મતદાન થયું તું. જ્યારે નવસારીના ગ્રામ્ય વિસ્તારમાં આવતી ત્રણ વિધાનસભામાં 42થી 43 ટકાની વચ્ચે મતદાન થયું છે. સુરતના ભાજપના નેતાઓ વધુ મતદાન થાય તે માટે દોડાદોડી કરી રહ્યાં છે.