Lok Sabha Election : વડોદરામાં લોકસભા ચૂંટણી માટે થઈ રહેલા મતદાનની વચ્ચે મતદાન મથકો પર ફરજ બજાવી રહેલા કર્મચારીઓ જ ભૂખ્યા રહી ગયા હોવાની ફરિયાદો ઉઠી છે.
મળતી વિગતો પ્રમાણે સલાટવાડા વિસ્તારમાં આવેલી એમસી હાઈસ્કૂલમાં ફરજ બજાવતા કર્મચારીઓ સુધી જમવાનુ પહોંચ્યુ જ નહોતુ. આ કર્મચારીઓ આજે સવારે 6 વાગ્યાથી ચૂંટણી માટે ફરજ બજાવી રહ્યા હતા પણ બપોરના ચાર વાગ્યા સુધી તેમને ભોજન મળ્યુ નહોતુ અને એક મહિલા કર્મચારીને તો ચક્કર પણ આવી ગયા હતા.
ફરજ બજાવતા કર્મચારીઓએ કહ્યુ હતુ કે, આ સ્થિતિ ગઈકાલથી જ છે. અમે અહીંયા આવ્યા પછી અમને ગ્લુકોઝ બિસ્કિટ સિવાય કશું આપવામાં આવ્યુ નથી. મહિલા કર્મચારીઓ તો રાત્રે ઘરે પણ ગયા હોવાથી તેમણે ઘરે ભોજન કર્યુ હશે પણ પુરુષ કર્મચારીઓની સ્થિતિ વધારે ખરાબ છે. ઈવીએમની જવાબદારી હોવાથી અમે મતદાન મથક છોડીને બહાર જમવા માટે પણ જઈ શકીએ તેમ નથી. તો બહારના વ્યક્તિઓને પણ અંદર આવવા પર પ્રતિબંધ છે. આ સંજોગોમાં તંત્રે જ અમને ફૂડ પેકેટ પહોંચાડવા જોઈએ.