Japan 6G News | વિશ્વના મોટાભાગના દેશ અત્યાધુનિક ફાઇવ-જી નેટવર્ક સ્થાપવામાં લાગેલા છે. ભારતમાં પણ ફાઇવ-જી નેટવર્ક પા-પા પગલી ભરી રહ્યું છે. આ સમયે જાપાને વિશ્વની સૌપ્રથમ 6G ડિવાઇસ તૈયાર કરી લીધી છે. આ અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ 6G ડિવાઇસની સ્પીડ વર્તમાન ફાઇવ-જી ડિવાઇસ કરતાં 500 ગણી વધુ છે. તે એકસાથે પાંચ એચડી ફિલ્મો સ્ટ્રીમ કરી શકે છે.
જાપાનીઝ કંપનીઓએ ૬જી ઇન્ટરનેટનું અનાવરણ કર્યુ છે. આ ડિવાઇસને જાપાનની ડોકોમો, એનટીટી કોર્પોરેશન, એનઇસી કોર્પોરેશન અને ફુજિત્સુ સહિતની ટેલિકોમ કંપનીઓે ભેગા મળીને બનાવ્યું છે.
આ 6G પ્રોટોટાઇપ ડિવાઇસ 100 ગીગાહર્ટ્ઝ બેન્ડ પર ઘરની અંદર જ 100 જીબીએસની સ્પીડ હાંસલ કરી શકે છે. આ ડિવાઇસ ઘરની બહાર ગીગાહર્ટ્ઝ ની આ સ્પીડને હાંસલ કરવા માટે 300 ગીગાહર્ટ્ઝ બેન્ડનો ઉપયોગ કરે છે.
જો કે નવા બેન્ડમાં આ પગલું લેવા માટે નવા જ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રકચરની જરૂર છે. આનો સીધો અર્થ એમ થાય કે ૬જીનો સામાન્ય પ્રજાને ઉપયોગ કરવામાં હજી સમય લાગશે.
આમ છતાં આ ફાઇવ-જીની નવી વર્તમાન ટેકનોલોજીથી આગળ એક મહત્ત્વની ટેકનોલોજીકલ છલાંગ કે ક્રાંતિ છે. અહેવાલ મુજબ આ સાધન 300 ફૂટ સુધીના ક્ષેત્રે આવરી લે છે, જે તેને ઇન્ટરનેટ કનેક્ટિવિટીના ભવિષ્ય માટે એક આશાસ્પદ વિકલ્પ પૂરો પાડે છે.