અમદાવાદ,શનિવાર
પૂર્વ વિસ્તારમાં એસ.પી.રિંગ રોડ ઉપર હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. તેમાંયે ખાસ કરીને કેટલાક કિસ્સામાં પોલીસ દ્વારા ભાગી જનારા વાહન ચાલકોને લાંબા સમય સુધી પકડવામાં આવતા નથી. શુક્રવારે મધરાતે દાસ્તાન સર્કલ પાસે રોડ ક્રોસ કરી રહેલા આધેડ પુરુષને ટક્કર મારીને મોતને ઘાટ ઉતારી કાર ચાલક ભાગી ગયો હતો. આ ઘટના અંગે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રાફિક જી ડિવિઝન પોલીસે ગુનો નોંધી ફરાર વાહન ચાલક અને મૃતક આધેડના પરિવારજનોની શોધખોળ હાથ ધરી
આ કેસની વિગત એવી છે કે ટ્રાફિક જી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હેડ કોન્સ્ટેબલ દિપકભાઇ જગદીસભાઇ ફરજ ઉપર હાજર હતા ત્યારે પોલીસ કન્ટ્રોલ રૃમ તરફથી મેસેજ મળ્યો હતો કે શુક્રવારે મધરાતે આધેડ વયના પુરુષ નિકોલ વિસ્તારમાં એસ.પી.રિંગ રોડ ઉપર દાસ્તાન સર્કલ પાસેથી ચિલાડા તરફ જવાના માર્ગ ઉપર તેઓ રોડ ક્રોસ કરતા હતા આ સમયે કાર ચાલક તેમને ટક્કર મારીને મોતને ઘાટ ઉતારીને નાસી ગયો હતો.
આ બનાવની જાણ થતાં તેઓ સ્થળ ઉપર પહોંંચી ગયા હતા ત્યારે એમ્બ્યુલન્સ ચાલકે હકીકત કહી હતી જેથી પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આસપાસના વિસ્તારમાં આવેલા કોમ્પલેક્ષમાં લગાડેલા સીસીટીવી ફૂટેજ આધારે ફરાર વાહન ચાલકની તથા મૃતકના સગા સંબંધીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. જે જગ્યાએ હિટ એન્ડ રનની ઘટના બની ત્યાં રાત્રે અંધારુ હોવાથી વાહન ચાલક નાસી જતા હોય છે એટલું જ નહી કેટલાયે સમય બાદ પણ આવા વાહન ચાલકો પકડાતા નથી.