અમદાવાદ,
બુધવાર
પાકિસ્તાનની જળસીમામાં જઇને ૬૧ કરોડની કિંમતના હશીશને ગુજરાતના
દ્વારકા નજીક લાવતા સમયે મહારાષ્ટ્માં રહેતા
ચાર વ્યક્તિ સહિત પાંચ લોકોની અટકાયત કરી હતી. ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં ચોંકાવનારો
ખુલાસો થયો હતો કે આરોપીઓ દુબઇથી પાકિસ્તાની ડ્ગ્સ માફિયાના સંપર્કમાં આવ્યા હતા. મરાઠી
ફિલ્મોમાં નુકશાન ગયા બાદ શોર્ટ કટથી નાણાં કમાવવા માટે ડ્રગ્સના ધંધામાં જોડાયા હતા. ગુજરાત એટીએસના અધિકારીઓએ ચાર
આરોપીઓના આઠ દિવસના રિમાન્ડ મેળવીને આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. પાકિસ્તાનની પશની પાસે આવેલા અરબી સમુદ્રમાંથી રૂપિયા ૬૧ કરોડની
કિંમતના ૧૭૩ કિલો હશીશનો જથ્થો લઇને ગુજરાતના દ્વારકા પહોંચતા સમયે ગુજરાત એટીએસ, નાક્રોટીક્સ કંટ્રોલ બ્યુરો અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા
ઝડપી બે મુખ્ય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે મહારાષ્ટ્રમાં રહેતા કૈલાશ સનપ, દત્તાઅંધાલે, મંગેશ આરોટે, હરીદાસ તેમજ કચ્છ માંડવીમાં રહેતા અલી અસ્ગર નામના વ્યક્તિઓની
ધરપકડ કરી હતી. આ અંગે પોલીસે મહારાષ્ટ્રમાં રહેતા ચાર આરોપીઓના આઠ દિવસના રિમાન્ડ
મેળવીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મંગેશ
આરોટે અને કૈલાશ અનેકવાર દુબઇ ગયા હતા. જ્યાંથી તેમણે ડ્રગ્સને ગુજરાતમાં લાવવા માટેનું
નેટવર્ક સેટ કર્યું હતું. અગાઉ દત્તા અને કૈલાશ
મરાઠી ફિલ્મો સાથે જોડાયેલા હતા. કૈલાશે એક મરાઠી ફિલ્મ પણ પ્રોડયુસ કરી હતી. જો કે
કોવિડના કારણે તે રિલીઝ થઇ શકી નહોતી. બીજી તરફ એટીએસના સ્ટાફને આરોપીઓ પાસેથી ડ્ગ્સ
રીસીવ કરવા આવનાર અંગેની પણ કડી મળતા આગામી
સમયમાં અન્ય ધરપકડ થવાની સંભાવના છે.