અમદાવાદ,
શુક્રવાર
અમદાવાદ જિલ્લાના સાણંદના વાસણામાં ગામમાં એક પરિણીત યુવતી સાથે
લીવ ઇનમાં રહેતા યુવકની યુવતીના પતિએ હત્યા કરી હોવાની ઘટના બની હતી. જે અંગે સાણંદ
પોલીસે હત્યાનો ગુનો નોંધીને ગણતરીને સમયમાં આરોપીને ઝડપી લીધો હતો. પત્નીના યુવક સાથેના
આડા સંબધને લઇને આરોપીએ તેની પત્ની અને યુવકને મારવાને ઇરાદે હુમલો કર્યો હોવાનો ખુલાસો
પ્રાથમિક તપાસમાં થયો છે. સાણંદના વાસણા ગામ પાસે આવેલી ઉમા એસ્ટેટમાં અભિષેક ડામોર (ઉ.વ.૨૨) ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. સાથેસાથે પ્રિયંકા
નામની પરિણીત યુવતી સાથે લીવ ઇનમાં રહેતો હતો. ગત ૧લી મેના રોજ રાતના સમયે પ્રિયંકાના
પતિ જુવાન વડેરા (રહે.ખોખરા ફળી,
તા. વિજયનગર, સાબરકાંઠા)
એ ઘરમાં ઘુસીને હુમલો કર્યો હતો. જેમાં તેણે પ્રિયંકા અને અભિષેકના માથામાં લોંખડની
પાઇપ ફટકારીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ હુમલા દરમિયાન બુમાબુમ થતા સ્થાનિક લોકો
દોડી આવતા જુવાન વડેરા ત્યાંથી નાસી ગયો હતો. બીજી તરફ બંનેને સારવાર માટે હોસ્પિટલ
લઇ જવામાં આવ્યા હતા. જ્યાં અભિષેકનું મોત નીપજ્યું હતું. આ અંગે સાણંદ પોલીસે ગુનો
નોંધીને આરોપીની તપાસ શરૂ કરીને ટેકનીકલ સર્વલન્સના આધારે ઝડપી લીધા હતા.