અમદાવાદ,શનિવાર,4 એપ્રિલ,2024
અમદાવાદના સુએઝ ફાર્મ રોડ ખાતે પિરાણા ખાતે શહેરની કચરાની
મુખ્ય ડમ્પ સાઈટ આવેલી છે. આ ડમ્પસાઈટ ઉપર દાયકાઓથી ભેગો કરવામાં આવેલો ૬૩ ટકા
કચરો સાફ કરવામાં આવ્યો હોવાનો મ્યુનિસિપલ તંત્ર તરફથી દાવો કરવામાં આવ્યો
છે.પિરાણા ડમ્પ સાઈટ ઉપર એક અંદાજ મુજબ ૨૦૦ લાખ ટન કચરો હતો. આ પૈકી ૧૨૬ લાખ ટન
કચરો દૂર કરાયો છે. શહેરમાંથી રોજ ત્રણ હજાર ટન કચરો એકત્ર કરાય છે.૧૨૦૦ ટન કચરો
પ્રોસેસ કરાય છે.બાકીનો ૧૮૦૦ ટન કચરો સાઈટ ઉપર પ્રોસેસ થયા વગર એમનો એમ પડયો રહે
છે.
વર્ષ-૧૯૮૫થી
અમદાવાદનો કચરો પિરાણા ખાતે આવેલી મુખ્ય ડમ્પસાઈટ ખાતે એકઠો કરીને તેનો
નિકાલ કરવામાં આવે છે.પિરાણા ડમ્પ સાઈટના કારણે આસપાસના વિસ્તારમાં હવાનુ પ્રદૂષણ
વધવા ઉપરાંત ભૂગર્ભ જળ સ્તોત્ર ઉપર તેની થતી અસર સહિતના અન્ય મુદ્દાઓને લઈ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ સમક્ષ રજૂઆત કરવામાં આવતા ટ્રીબ્યુનલ દ્વારા ઓગસ્ટ-૨૦૨૦માં
નારોલ-સરખેજ હાઈવે તરફ અજમેરી ફાર્મ પાસે
તેમજ એકસેલ પ્રોસેસિંગ પ્લાન્ટની પાછળ હાઈડમ્પ આ બે લોકેશન ઉપર વર્ષોથી ભેગા
કરવામાં આવેલા કચરાના બે મોટા ડુંગર બે
વર્ષમાં સાફ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપ્યો હતો. ઉપરાંત રાજય સરકારને
પિરાણા ડમ્પ સાઈટ ઉપર ભેગા થયેલા કચરાના નિકાલની કામગીરી ઝડપથી પુરી થાય એ માટે
રુપિયા ૭૫ કરોડ એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરાવવા આદેશ આપ્યો હતો.એન.જી.ટી.ના આદેશબાદ
પણ દાયકાઓથી ભેગા થયેલા કચરાના નિકાલની કામગીરી ગોકળ ગતિથી મ્યુનિ.તંત્ર તરફથી
ચલાવાઈ રહી હતી.એન.જી.ટી.તરફથી આપવામાં આવેલી સમય મર્યાદામાં કચરાનો નિકાલ કરી
નહિં શકાય એમ લાગતા તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર દિલ્હી પહોંચ્યા હતા. જયાં તેમણે
એન.જી.ટી. સમક્ષ કચરાના નિકાલ માટેની સમય મર્યાદામાં વધારો કરી આપવાની રજૂઆત કરતા
એન.જી.ટી. તરફથી
અમદાવાદ મ્યુનિ.તંત્રને ૩૧ ડીસેમ્બર-૨૦૨૩ સુધીમાં વર્ષોથી ભેગા થયેલા કચરાનો નિકાલ
કરવા સમય મર્યાદા વધારી આપવામાં આવી હતી.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દાયકાઓથી પિરાણા ડમ્પ સાઈટ ઉપર ભેગા થયેલા
કચરાનો નિકાલ કરવા વર્ષ-૨૦૧૯થી બાયો
માઈનીંગ માટે પાયલોટ પ્રોજેકટ શરુ કરવામાં આવ્યો હતો.નારોલ-સરખેજ હાઈવે તરફ અજમેરી
ફાર્મ પાસે તેમજ એકસેલ પ્રોસેસિંગ પ્લાન્ટની પાછળ
હાઈડમ્પ આ બે લોકેશન ઉપર કચરાના મોટા ઢગલા હતા.મ્યુનિસિપલ તંત્ર તરફથી
કરવામાં આવેલા દાવા મુજબ આ બંને લોકેશન ઉપરથી ૧૨૬ લાખ ટન કચરો સાફ કરવામાં આવ્યો છે.હાલમાં ૩૦૦ મેટ્રીકટન ક્ષમતાના ૬૦
ટ્રોમેલ મશીન ૩.૧૧ લાખ તથા એક હજાર મેટ્રીક ટન ક્ષમતાના દસ ઓટોમેટેડ મશીન રુપિયા
૧૧.૮૦ લાખ પ્રતિ માસના ભાવથી ડમ્પ સાઈટ ઉપર કાર્યરત છે
ભેગો થયેલો કચરો કયાં ગયો?
પિરાણા ડમ્પ સાઈટ ઉપર વર્ષોથી ભેગા થયેલા કચરાને પ્રોસેસ
કરી તેમાંથી પ્લાસ્ટિક તથા કાપડ વેસ્ટ તથા માટી-રોડા એમ ત્રણ પ્રકારનુ મટીરીયલ અલગ
કરાય છે.આ પૈકી માટી-રોડા જેવુ મટીરીયલ સાબરમતી રિવરફ્રન્ટ, ગાંધી આશ્રમ
પ્રોજેકટ તથા ખુલ્લા પ્લોટને સમથળ કરવા ઉપયોગમા લેવાયુ હોવાનુ મ્યુનિ.તંત્રનું
કહેવુ છે.ઉપરાંત ધોલેરા એકસપ્રેસ બનાવવા ૬૦ લાખ મેટ્રીક ટનથી પણ વધુ મટીરીયલ
વપરાયુ હોવાનો તેમજ તેનાથી મ્યુનિસિપલ તંત્રને રુપિયા ૯૦ લાખની આવક થઈ હોવાનો
તંત્ર તરફથી દાવો કરવામાં આવ્યો છે.
અત્યાર સુધીમાં રુપિયા સો કરોડનો ખર્ચ કરાયો
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશનને આપવામા આવેલી મુદત ઓગસ્ટ-૨૦૨૨માં પુરી થઈ ગઈ હતી.બાદમાં એન.જી.ટી.દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને ૩૧
ડીસેમ્બર-૨૦૨૩ સુધીની મુદત લંબાવી આપવામા આવી હતી.બાયો માઈનીંગ પ્રોજેકટ પાછળ
વર્ષ-૨૦૧૯થી અત્યાર સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રુપિયા સો કરોડથી પણ વધુ
રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે.
૮૦ લાખ ટન કચરો દૂર કરાશે કે પ્રોસેસ કરાશે?
પિરાણા ખાતે હાલમાં અંદાજે ૮૦ લાખ ટન જેટલો કચરો પડેલો છે.
આ કચરાને દૂર કરાશે કે પ્રોસેસ કરાશે?
એ બાબત ચર્ચાનો વિષય બનવા પામી છે.મ્યુનિસિપલ તંત્રે કરેલા દાવા મુજબ, અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રીન એન્વાયરો પ્રોજેકટ પ્રા.લી.ને બાયો
માઈનીંગમાંથી નીકળતા પ્લાસ્ટિક સહિતના અન્ય રો મટીરીયલના પ્રોસેસીંગની કામગીરી
માટે છ એકર જગ્યા આપવામાં આવી છે.એજન્સી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને વાર્ષિક
રુપિયા ૫૧.૧૧ લાખ રોયલ્ટી ચુકવવામાં આવશે.