અમદાવાદ,રવિવાર
પૂર્વ વિસ્તારમાં પોલીસની નિષ્ક્રયતાના કારણે લૂખ્ખા તત્વો બેફામ બનીને નિર્દોષ લોકો ઉપર ઘાતક હુમલા કરી રહ્યા છે.નારોલમાં રોડની વચ્ચે વાહન ઉભુ રાખીને બે શખ્સો ઉભા હતા. જેથી ટ્રક ચાલકે તેમને વાહન સાઇડમાં લેવાનું કહ્યું હતું. જેને લઇને બન્ને આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતા અને ટ્રક ચાલકને ઢોર માર મારીને માથામાં લોખંડનું કડું મારીને યુવકને લોહી લુહાણ કરીને ધમકી આપીને નાસી ગયા હતા. આ બનાવ અંગે નારોલ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
તારીથી અમને સાઇડમાં લેવાનું કહેવાય જ કેમ કહી યુવકને ઢોર માર મારી લોખંડનું કડું મારતા માથામાં ટાંકા લેવા પડયા
આ કેસની વિગત એવી છે કે વટવામાં રહેતા અને ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે નારોલ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક ગઇકાલે સવારે ટ્રકમાં સિમેન્ટ ભરીને જતા હતા તેઓ નારોલ વિસ્તારમાં હાઇફાઇ ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા જ્યાં રસ્તા વચ્ચે બે યુવકો મોપેડ પાર્ક કરીને ઉભા હતા. જેથી યુવકે તેમને વાહન સાઇડમાં પાર્ક કરવાની વાત કરતાં તેઓ ઉશ્કેરાઇ ગયા હતા.
ગાળો બોલવા લાગ્યા હતા યુવકે ગાળો બોલવાની ના પાડતા તેઓએ ટ્રક ચાલકને તારાથી અમોને સાઇડમાં જવાનું કેમ કહેવાય તું કોણ છે તેમ કહીને યુવકને ઢોર માર મારીને માથામાં લોખંડનું કડું મારીને યુવકને લોહી લુહાણ કરીને ધમકી કે હવે પછી અમારુ નામ લીધું છે તો જાનથી મારી નાંખીશું કહીને નાસી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરાતા માથામાં ટાંકા આવ્યા હતા. આ ઘટના અંગે નારોલ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.