Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનને હવે વીસ દિવસ જેટલો સમય બાકી છે ત્યારે રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે અને મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થવાનું છે ત્યારે ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકોના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે તો કોંગ્રેસે પણ કેટલાક ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જુનાગઢ બેઠકની વાત કરીએ તો ભાજપે રાજેશ ચુડાસમાને જ્યારે કોંગ્રેસે હીરા જોટવાને ટિકિટ આપી છે.
જુનાગઢ એક ઐતિહાસિક નગર
જુનાગઢ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પાસેના સોરઠ વિસ્તારમાં આવેલો જિલ્લો છે. જુનાગઢ એક ઐતિહાસિક નગર છે. દેશને આઝાદી 15 ઓગસ્ટ 1947માં મળી પરંતુ જુનાગઢમાં ખરા અર્થમાં 9મી નવેમ્બરે આઝાદી મળી હતી. સંત, સુરા અને સાવજની ભૂમિ પર પાછલા એક દસકાથી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપનો ભોગવો લહેરાય છે. ગરવો ગઢ ગિરનાર જેના સાનિધ્યમાં છે, અને જેને દરિયાની સંગત છે એવા જુનાગઢ લોકસભા મતક્ષેત્રનો મિજાજ અલગ જ છે. લોકસભા 2024ની ચૂંટણીમાં જુનાગઢ બેઠક પર ભાજપે ત્રીજીવાર રાજેશ ચુડાસમાને રીપિટ કર્યા છે જ્યારે કોંગ્રેસે વર્તમાન ઉપપ્રમુખ અને પીઢ કોંગ્રેસી અને આહીર અગ્રણી હીરાભાઈ જોટવાની પસંદગી કરી છે.
રાજેશ ચુડાસમા કોણ છે ?
ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા ગુજરાતની કોળી જ્ઞાતિમાંથી આવે છે. તેમનો જન્મ 10 એપ્રિલ 1982ના રોજ ચોરવાડમાં થયો હતો. હાલ તેઓ જુનાગઢ-ગીર સોમનાથથી સાંસદ છે. તેઓ અગાઉ માંગરોળના ધારાસભ્ય હતા. રાજેશ ચુડાસમા જુનાગઢ લોકસભા બેઠક પરથી 2014માં ભાજપની ટિકિટ પર સૌથી નાની વયના સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ 2019માં પણ વિજેતા થયા હતા. ચુડાસમા પહેલી સપ્ટેમ્બર 2014 થી 25 મે 2019 દરમિયાન પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ પરની સ્થાયી સમિતિના સભ્ય તેમજ કૃષિ મંત્રાલયમાં સલાહકાર સમિતિના સભ્ય હતા. આ ઉપરાંત 13 સપ્ટેમ્બર 2019થી રસાયણ અને ખાતર અંગેની સ્થાયી સમિતિના સભ્ય સલાહકાર સમિતિના સભ્ય છે.
હીરા જોટવા કોણ છે ?
હીરા જોટવાએ બીએ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ 1991થી 2004 સુધી સુપાસી ગામના સરપંચ તરીકે રહ્યા હતા. આ દરમિયાન તેમણે 1995થી વર્ષ 2000 સુધી વેરાવળ યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકેની પણ કામગીરી સંભાળી હતી. જુનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે વર્ષ 2000થી 2005 સુધી રહ્યા અને વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે 2006થી વર્ષ 2013 સુધી રહ્યા હતા. આ સિવાય તેમણે 2019થી 2023 સુધી પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીની જવાબદારી સંભાળી હતી. 2022મા કેશોદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. હાલ તેઓ પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે કામગીરી બજાવી રહ્યા છે. હીરા જોટવા ખેતી અને બિઝનેસ સાથે સંકળાયેલા છે.
જુનાગઢ લોકસભા બેઠકના 1957 થી 2019 સુધીના પરીણામો
વર્ષ
વિજેતા ઉમેદવાર
1957 (મુંબઇ સ્ટેટ)
જયાબેન શાહ
1962
ચિતરંજન રાજા
1967
વી જે શાહ
1971
નાનજી વેકરીયા
1977
નરેન્દ્ર નથવાણી
1980
મોહનલાલ પટેલ
1984
મોહનભાઇ પટેલ
1989
ગોવિંદભાઇ શેખડા
1991
ભાવનાબેન ચીખલિયા
1996
ભાવનાબેન ચીખલિયા
1998
ભાવનાબેન ચીખલિયા
1999
ભાવનાબેન ચીખલિયા
2004
જસુભાઇ બારડ
2009
દિનુભાઇ બી
સોલંકી
2014
રાજેશભાઇ ચુડાસમા
2019
રાજેશભાઇ ચુડાસમા
ભાજપનું 2009થી પ્રભુત્વ
દેશની આઝાદી બાદ પ્રથમ લોકસભાની ચૂંટણી 1951માં યોજાઇ હતી. એ સમયે ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો પણ મળ્યો ન હતો. ત્યારે સૌરાષ્ટ્ર વિસ્તાર ઓળખાતો હતો. જુનાગઢના મતદારોએ પ્રથમ વખત સૌરાષ્ટ્ર બેઠક માટે મતદાન કર્યું હતું. 1957ની લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર બેઠકમાંથી અલગ સોરઠ બેઠક અસ્તિત્વમાં આવી હતી. જુનાગઢ બેઠક 1962માં અસ્તિત્વમાં આવી હતી. જુનાગઢ બેઠક પર અત્યાર સુધીમાં લોકસભાની પંદર ચૂંટણી યોજાઈ છે જેમાં કોંગ્રસનો પાંચ વખત જ્યારે ભાજપનો સાત વખત વિજય થયો છે તો સ્વતંત્ર પાર્ટી, જનતા પાર્ટી, જનતા દળનો એક-એક વખત વિજય થયો હતો.
જુનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમા અને હીરા જોટવા વચ્ચે જામશે જંગ
• 1962માં જુનાગઢ બેઠક અસ્તિત્વમાં આવી.
• કોંગ્રેસે 1989 બાદ જુનાગઢ લોકસભા બેઠક પર યોજાયેલી આઠ ચૂંટણી પૈકી ફક્ત 2004ની એક જ ચૂંટણી જીતી હતી.
• ભાજપે 1991ની લોકસભા ચૂંટણીમાં પહેલી વાર જુનાગઢ બેઠક પર વિજય મેળવ્યો હતો.
• ભાજપના ભાવનાબહેન ચીખલિયાએ 1991થી 1999 સુધીની સળંગ ચાર લોકસભા ચૂંટણી જીતી હતી.
• ભાજપના દીનુ સોલંકી લોકસભા 2009ની ચૂંટણીમાં માત્ર 1.81 ટકા મત તફાવતથી જીત્યા હતા.
• ભાજપે સતત બે વખતના સાંસદને ત્રીજીવાર રીપિટ કર્યા છે તો કોંગ્રેસે 15 વર્ષ બાદ ફરી એક વખત આહિર ઉમેદવારની પસંદગી કરી છે.
લોકસભા 2019ના ચૂંટણીના પરિણામો
• 2019માં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને 5,47,952 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના પુંજા વંશને 3,97,767.
• ભાજપ ઉમેદવારને 54.51 ટકા અને કોંગ્રેસ ઉમેદવારને 39.57 મત મળ્યા હતા.
• એ વર્ષે નોટામાં 15 હજારથી વધુ મત પડ્યા હતા.
લોકસભા 2014ના ચૂંટણીના પરિણામો
• 2014માં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને 5,13,179 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના પુંજા વંશને 3,77,347.
• ભાજપ ઉમેદવારને 54.51 ટકા અને કોંગ્રેસ ઉમેદવારને 40.08 મત મળ્યા હતા.
• એ વર્ષે નોટામાં 17 હજાર તો આપમાં 16 હજારથી વધુ મત પડ્યા હતા.
જુનાગઢ લોકસભામાં આ સાત બેઠકનો સમાવેશ થાય છે
જુનાગઢ લોકસભા બેઠકમાં જિલ્લાની જુનાગઢ, વિસાવદર અને માંગરોળ તેમજ સોમનાથ જિલ્લાની સોમનાથ તાલાલા, ઉના અને કોડીનાર આ સાત બેઠક મળીને લોકસભા બેઠક બને છે. ગીર-સોમનાથની કોડીનાર વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત બેઠક છે. જુનાગઢ લોકસભા મતવિસ્તારમાં જાતિગત સમીકરણ પર નજર કરીએ તો, કોળી જ્ઞાતિના મતદારો સૌથી વધારે છે. આ સાથે લઘુમતી, દલિત, આહીર, પાટીદાર અને બક્ષીપંચ જ્ઞાતિઓના મતદારો પણ ખૂબ મોટી સંખ્યામાં છે.
ધર્મ
ટકાવારી
હિંદુ
83.38%
મુસ્લિમ
11.17%
અન્ય
0.45%