Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી વચ્ચે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. રૂપાલા દ્વારા માફી માગવા છતાં ક્ષત્રિય સમાજ માફ કરી રહ્યા નથી. સૌરાષ્ટ્ર સહિત અનેક શહેરો અને ગામડાઓમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. 

રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત્ 

દાહોદમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવાની માગ સાથે દાહોદના કલેકટરને આવેદન આપી રજૂઆત કરી હતી. તો સુરેન્દ્રનગરમાં પરશોત્તમ રૂપાલાના વિરોધ મુદ્દે દરબાર બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ હતી, જેમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ પર ક્ષત્રિય સમાજ અડગ રહ્યા હતા. જામનગરમાં રાજપૂત સમાજની મહિલાઓએ કલેકટરને આવેદનપત્ર આપ્યો છે. રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ આણંદના સોજીત્રામાં અને વડોદરાના ડભોઇમાં આવેદન આપ્યું. તો બનાસકાંઠાના દિયોદર અને અને તાપીના વાલોડમાં પણ મામલતદારને આવેદન આપીને રજૂઆત કરી હતી.

7મી એપ્રિલે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે

ધંધુકામાં પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવવા 7મી એપ્રિલ ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે. જેમાં કરણી સેનાના રાષ્ટ્રિય અધ્યક્ષ મહિપાલસિંહ પણ ઉપસ્થિત રહેશે. જેની રણનીતિ ઘડવા માટે ગત 3 એપ્રિલે ધંધુકા રાજપૂત બોર્ડિંગમાં મીટિંગ યોજાઈ હતી. જેમા ધંધુકા, રાણપુર, બરવાળા અને ધોલેરા તાલુકાના ક્ષત્રિય સમાજના 500થી વધારે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સુરતમાં સ્નેહ મિલન સમારોહ

પરશોત્તમ રૂપાલા સામેના વિરોધ સામે પક્ષ દ્વારા ઉમેદવાર બદલાશે નહીં તેવી જાહેરાત કરી દીધી છે. ત્યાર બાદ હવે પરશોત્તમ રુપાલાની તરફેણ માટે પાટીદાર સમાજના લોકો આગળ આવી રહ્યાં છે. તેમાં પણ રાજકોટમાં સ્નેહ મિલન સમારોહની જાહેરાત બાદ હવે સુરતમાં પણ આગામી રવિવારે પરશોત્તમ રૂપાલાની હાજરીમાં વધુ એક સ્નેહ મિલન સમારોહની જાહેરાત કરવામા આવી છે. હાલમાં સુરત નજીક આવેલા કામરેજ તાલુકા પંચાયતના શાસક પક્ષ નેતાના નામે સ્નેહ મિલન સમારોહ માટેની જાહેરાત કરવામા આવી છે. સાતમી એપ્રિલે ગોપીન ગામ, મોટા વરાછા ખાતે સુરત વસતા રાજકોટ, પડધરી, ટંકારા, મોરબી, વાંકાનેર, જસદણ, આટકોટ, વિંછીયા,કોટડા, સાંગાણી, લોધીકા સહિતના ગામના લોકોએ સ્નેહ મિલન સમારોહ યોજાશે, જેમાં પરશોત્તમ રૂપાલા હાજર રહેશે. 

ભાજપે પ્રચાર શરૂ કરવા આપી હતી લીલીઝંડી 

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરતાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. હોલ આખાય ગુજરાતભરમાં દેખાવ,રેલી યોજી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ તરફ, કેન્દ્રીય કેબિનેટમાં ભાગ લઈને અમદાવાદ પરત ફરેલાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા ગાંધીનગરમાં પહોંચ્યા હતાં જ્યાં ભાજપ સંગઠનના મહામંત્રી રત્નાકર સાથે બંધબારણે બેઠક થઈ હતી. સૂત્રના મતે રાજકોટ બેઠક પર રૂપાલાને બદલવામાં નહી આવે. ભાજપ હાઈકમાન્ડ ક્ષત્રિયો સામે ઝૂકવા તૈયાર નથી. ભાજપે રૂપાલાએ પ્રચાર શરૂ કરવા કહી દીધું હતું.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *