– વાત લાહોરની પણ માહોલ સમગ્ર લખનઉનો
– 2022ના સમાચારોવાળું અખબાર દર્શાવ્યું પંજાબીને બદલે ઉર્દુની ભરમારથી લોકો ભડક્યા
મુંબઇ : સંજય લીલા ભણશાળીએ બનાવેલી તથા મનિષા કોઈરાલા, રિચા ચઢ્ઢા, અદિતી રાવ હૈદરી અને સોનાક્ષી સિંહા સહિતના કલાકારો ધરાવતી ‘હીરા મંડી’ વેબ સીરીઝ રજૂ થઈ ચૂકી છે અને તે સાથે જ ભણશાળીના કેટલાય ચાહકો આ સીરિઝમાં ઐતિહાસિક તથ્યો સાથે લેવામાં આવેલી વધારે પડતી છૂટછાટથી નારાજ થઈ ગયા છે. ભારત ઉપરાંત ‘હીરા મંડી’ મૂળ જ્યાંની સ્ટોરી છે એ પાકિસ્તાનના પણ સંખ્યાબંધ લોકોએ પણ આ સીરીઝમાં રહેલી ભૂલો તરફ ધ્યાન દોર્યું છે.
જુદા જુદા ચાહકોનું કહેવું છે કે આઝાદી પહેલાંનું લાહોર ત્યારનાં અવિભક્ત પંજાબની રાજધાની હતું અને ત્યાં બોલચાલની મુખ્ય ભાષા પંજાબી હતી. બીજી તરફ ‘હીરા મંડી’માં હિરોઈનોનાં વસ્ત્ર, અલંકારો, સંવાદો તથા સંવાદો બોલવાની લઢણ સહિત સમગ્ર માહોલ ૧૯મી સદીના લખનૌનો વધારે લાગે છે.
લાહોરની મૂળ હીરા મંડી આટલી ભપકાદાર કે ભવ્ય ન હતી અને તેની તવાયફો બહુ વર્ચસ્વ ધરાવતી હોય તેવું કાંઈ ન હતું. સંખ્યાબંધ લોકોએ કહ્યું છે કે સીરીઝમાં જે પ્રકારના નવાબોના ખાનદાન કે તવાયફોના ભવ્ય મહેલો જેવાં ઘર બતાવ્યાં છે તેને ત્યારના લાહોર સાથે દૂર દૂર સુધી કોઈ લેવાદેવા નથી. ભણશાળીએ ૧૯૪૦ના અરસાની વાત કહેવા જતાં ૧૮૪૦નો બેક ડ્રોપ અપનાવ્યો છે અને તે પણ તેમણે લખનૌનું નવાબી કલ્ચર જ વધારે દર્શાવ્યું છે.
સીરીઝના એક દૃશ્યમાં ભણશાળીએ એક ઉર્દુ અખબાર દર્શાવ્યું છે.
લોકોએ તેને ઝૂમ કરીને તેના સમાચારો ટ્રાન્સલેટ કરી લીધા છે અને આ સમાચારો પણ ૨૦૨૨ના હોવાનું જણાય છે. ભણશાળી જેવા સર્જકે આવી મોટી ભૂલ કેમ કરી તેની ચાહકોને નવાઈ લાગે છે.
કેટલાક ચાહકોએ એ બાબતે પણ આક્રોશ વ્યક્ત કર્યો છે કે ભણશાળી બહુ ભપકાદાર વસ્ત્રો તથા દાગીનાંથી લદાયેલી સ્ત્રીઓનાં જ પાત્રો એક પછી એક ફિલ્મામાં પણ રજૂ કરતા રહે છે જેને વાસ્તવિક જીવન સાથે કોઈ લેવાદેવા હોતી નથી. વધારે પડતી કલ્પનાશીલતા અને ભવ્યતા તથા ભપકો દર્શાવવાની લ્હાયમાં ભણશાળી ઈતિહાસ સાથે વધારે પડતી છૂટછાટ લે છે. ભણશાળીના હિરો હિરોઈન સામાન્ય જિન્સ અને ટીશર્ટ પહેરતાં હોય, શહેરી કે પછી ગામડાંની રુટિન લાઈફ જીવતાં હોય તેવું ક્યારેય બનતું જનથી. ભણશાળીએ ‘દેવદાસ’ની મૂળ વાર્તામાં પણ ગજબ ચેડાં કર્યાં હતાં તે પણ અનેક લોકોએ યાદ કર્યું છે.