સુરત
ચાર
રિમાઇન્ડરનો વિભાગે જવાબ પણ આપ્યો નથી ઃ ગ્રાહક કોર્ટમાં દૈનિક પાંચ હજારથી વધુ
લોકોની અવરજવર રહે છે
ઉમરા
વિસ્તારમાં આજથી તેર વર્ષ પહેલાં સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમની બે કોર્ટો
કાર્યરત થયા બાદ વર્ષ-2019માં કોર્ટમાં લિફ્ટ ઈન્સ્ટોલેશન તથા દિવ્યાંગ માટે ટોયલેટ બ્લોક માટે કુલ 35 લાખની ફાળવણી કરવામાં આવી છે.તેમ છતાં છેલ્લાં પાંચેક વર્ષોથી પીડબલ્યુડી
ખાતાના સત્તાધીશોને આટલા વર્ષોથી કોઈ સારું મૂર્હુત મળતું નથી.છેલ્લાં પાંચેક વર્ષથી
ગ્રાંટ ફાળવણી છતાં સુરત ગ્રાહક કોર્ટ આજે પણ મુજકો ભી તો લિફ્ટ કરા દે એ ન્યાયે લિફ્ટની
રાહ જોઈ રહી છે.
સુરતના ઉમરા
ગામના એસ.એમ.સી.ક્વાટર્સ પાસે વર્ષ-2011માં અદ્યતન સુવિધા સાથે એડીશ્નલ તથા મુખ્ય એમ બે ગ્રાહક કોર્ટ સાથે નવનિર્મિત
ગ્રાહક ભવનનું લોકાર્પણ થયું હતું. ડીસેમ્બર-2019માં સુરત ગ્રાહક
કોર્ટ બિલ્ડીંગમાં લીફ્ટ ઈન્સ્ટોલ કરવા સહિત દિવ્યાંગો માટે ટોયલેટ માટે ગ્રાન્ટ ફાળવવાની
માંગણી થતા મંજુર કરાઇ હતી. જે અંગે ગુજરાત સ્ટેટ કમિશનમાંથી 30 લાખ લીફ્ટ માટે તથા પાંચ લાખ દિવ્યાંગો માટે ટોયલેટ માટે 5લાખની મળીને કુલ 35 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.
ગ્રાન્ટનો ચેક ડચ ગાર્ડન સ્થિત કાર્યપાલક ઈજનેર
માર્ગ અને મકાન વિભાગને જાન્યુઆરી-2020માં પત્ર લખીને ચુકવવામાં
આવ્યા હતા.
જો કે
વર્ષ-2020થી
આજ સુધી ગ્રાહક કોર્ટ બિલ્ડીંગમાં લિફ્ટ ઈન્સ્ટોલેશન કે દિવ્યાંગ માટે ટોયલેટ
બાંધકામ માટે પીડબલયુડી ખાતાના સત્તાધીશોને સારું મુર્હુત મળી શક્યું નથી.
કન્ઝ્યુમર્સ કોર્ટ કેસોના પ્રેકટીશ્નર કમલનયન અસારાવાલાએ આરટીઆઈ કરીને માહિતી
માંગતા આ ઘટસ્ફોટ થવા પામ્યો છે. અત્રે નોંધનીય છે કે સુરત ગ્રાહકકોર્ટ દ્વારા આ
માટે ચાર ચાર રિમાઈન્ડર પણ પણ મોકલવામાં આવ્યા હોવા છતાં તેનો જવાબ સુધ્ધાં આપવાની
તસ્દી પીડબલ્યુડી ખાતાએ લીધી નથી. સીનીયર એડવોકેટ શ્રેયશ દેસાઈએ જણાવ્યું હતું કે
સુરત ગ્રાહક કોર્ટના બંને ફોરમમાં આશરે છથી સાત હજાર કેસો પેન્ડીંગ છે.બંને
ફોરમમાં રોજીંદા 100 કેસો બોર્ડ પર આવે છે.સુરત ગ્રાહક
કોર્ટમાં પક્ષકારો,કન્ઝ્યુમર્સ પ્રેકટીશ્નર મહીલા વકીલો સહિત
અંદાજે 5000 હજાર લોકોની રોજીંદી અવર જવર રહે છે. સીનીયર
વકીલોને ઉપરની કોર્ટમાં જવા આવવા માટે લિફ્ટના અભાવે હાલાકી વેઠવી પડે છે. તેમ
છતાં પાંચ પાંચ વર્ષોથી ગ્રાન્ટ ફાળવણી છતાં સુરત ગ્રાહક કોર્ટ બિલ્ડીંગ
પીડબલ્યુડી ખાતાને સારું મૂર્હુત કાઢીને મુજકો ભી તો લિફ્ટ કરા દેની માંગણી કરી
રહી છે.