– સોહેલ ઉર્ફે મૌલવી છેલ્લા દોઢ વર્ષથી પાકિસ્તાન, નેપાળના બે વ્યક્તિ સાથે વર્ચ્યુઅલ નંબરથી સંપર્કમાં રહી નેતાઓને ટાર્ગેટ કરવા કાવતરું ઘડતો હતો
– સુરતમાં રહેતા હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને લાઓસના વ્હોટ્સએપ નંબર પરથી કમલેશ તિવારીની જેમ મારી નાખવાની ધમકી આપી હતી
સુરત, : સુરતમાં રહેતા સનાતન સંઘના અધ્યક્ષને મારી નાખવાની ધમકી આપનાર તેમજ દેશના અન્ય હિન્દુ નેતાઓને મારી નાખવા પાકિસ્તાન અને નેપાળના બે વ્યક્તિ સાથે વર્ચ્યુઅલ નંબર મારફતે સંપર્કમાં રહી કાવતરું ઘડનાર કામરેજના કઠોર ગામના કટ્ટરવાદી મૌલવીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ભરીમાતા ફૂલવાડી રોડ ખાતેથી ઝડપી લીધો હતો.મૌલવી છેલ્લા દોઢ વર્ષથી પાકિસ્તાન અને નેપાળના બે વ્યક્તિ ઉપરાંત અન્ય લોકો સાથે સંપર્કમાં રહી ભારતના રાષ્ટ્રધ્વજ, હિન્દુ ધર્મ અને દેવીદેવતાઓ અંગે અભદ્ર ટીપ્પણી કરી કટ્ટરવાદી વિચારધારાને ફેલાવતો હતો.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ચોકબજાર ભરીમાતા ફૂલવાડી ખાડી રોડ આઈકરા એપાર્ટમેન્ટ પાસેથી સોહેલ ઉર્ફે મૌલવી અબુબકર ટીમોલ ( ઉ.વ.27, રહે.બી-1/203, સ્વાગત રેસિડન્સી, અંબોલી, કઠોર ગામ, કામરેજ, સુરત. મૂળ રહે.દેવળ ફળિયું, નવાપુર, જી.નંદુરબાર, મહારાષ્ટ્ર ) ને ઝડપી પાડી તેની પાસેથી મોબાઈલ ફોન કબજે કર્યો હતો.કઠોર ગામના મદ્રેસામાં હાફિઝ અને આલીમ સોહેલ કઠોર અને અંબોલી ગામમાં મુસ્લિમ બાળકોને ઈસ્લામ ધર્મ અંગેનું ખાનગી ટ્યુશન આપે છે.તેમજ લસકાણા ડાયમંડનગર ખાતે ધાગા ફેકટરીમાં મેનેજર તરીકે નોકરી પણ કરે છે.ક્રાઈમ બ્રાન્ચે તેની પુછપરછ કરતા તેમજ તેના મોબાઈલ ફોનની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે છેલ્લા દોઢ વર્ષથી પાકિસ્તાનના ડોગર અને નેપાળના શેહનાઝ સાથે સંપર્કમાં રહી દેશના હિન્દુવાદી નેતાઓને મારી નાખવાની યોજના બનાવતો હતો.
સોહેલ સોશિયલ મીડિયા મારફતે બંનેના સંપર્કમાં આવ્યા બાદ બંનેએ તેને ભારતમાં હિન્દુવાદી સંગઠનો દ્વારા નબીની ગુસ્તાખી કરવામાં આવે છે તેમને સીધા કરવાની જરૂર છે તેવી ઉશ્કેરણી કરી હિન્દુવાદી નેતાઓને ધમકી આપવા માટે તેની ઓળખ છતી નહીં થાય તે માટે લાઓસ દેશનો ઈન્ટરનેશનલ સીમ નંબર મેળવી આપ્યો હતો.આ નંબર વ્હોટ્સએપમાં બિઝનેસ નંબર તરીકે એક્ટીવ કરાવી વર્ચ્યુઅલ નંબર કરાવ્યા બાદ સોહેલે સુરતમાં રહેતા અને સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને કમલેશ તિવારીની જેમ મારી નાખવાની અવારનવાર ધમકી આપી હતી.દેશના અન્ય હિન્દુવાદી નેતાઓ હૈદરાબાદના ધારાસભ્ય રાજાસિંગ, સુદર્શન ન્યુઝ ચેનલના એડીટર ઈન ચીફ સુરેશ ચવ્હાણ અને દિલ્હીના નૂપુર શર્માને મારી નાખવા તેણે પાકિસ્તાનના ડોગર અને નેપાળના શેહનાઝ સાથે સંપર્કમાં રહી કાવતરું પણ ઘડયું હોવાનું ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
સોહેલ સંખ્યા બંધ વ્હોટ્સએપ ગ્રુપ અને અન્ય સોશિયલ મીડિયા મારફતે ઘણા લોકો સાથે સંપર્કમાં રહી તેમનું બ્રેઇનવોશ કરી ઉશ્કેરણી કરતો હતો.તે પાકિસ્તાનના ડોગર અને નેપાળના શેહનાઝ ઉપરાંત પાકિસ્તાન, વિયેતનામ, ઇન્ડોનેશીયા, કઝાકીસ્તાન અને લાઓસના ઘણા લોકો સાથે સંપર્કમાં રહી ગ્રુપમાં ભારતના રાષ્ટ્રધ્વજ, હિન્દુ ધર્મ અને દેવીદેવતાઓ અંગે અભદ્ર ટીપ્પણી કરતો હતો.તેણે હિન્દુ નેતાઓની યાદી બનાવી હતી અને તેમને ટાર્ગેટ કરવા માટે ગ્રુપમાં ચર્ચા કરી હતી.ક્રાઈમ બ્રાન્ચે તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુ નેતાઓને પોતાના ગ્રુપમાં એડ કરી બાદમાં તમામ ધમકી આપતા હતા
સુરત, : સોહેલ જે કટ્ટર વિચારધારા વાળા ગ્રુપમાં સામેલ હતો તે તમામ ગ્રુપમાં હિન્દુ નેતાઓને ધમકી આપવાની અને મારવાની ચર્ચા થતી ત્યાર બાદ જેને ધમકી આપવાની હોય તે હિન્દુ નેતાને તેઓ તે ગ્રુપમાં એડ કરતા હતા અને બાદમાં તમામ ધમકી આપતા હતા.
ગ્રુપના એક સભ્યને ઉપદેશ રાણાનો ફોટો મોકલી એક કરોડમાં સોપારી પણ આપી હતી : વિદેશી હેન્ડલર પાસે હથિયાર મંગાવ્યું હતું
સુરત, : હિન્દુ નેતાઓને મારી નાખવા ધમકી આપનાર કટ્ટરવાદી મૌલવી સોહેલની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તેણે ગ્રુપના એક સભ્યને ઉપદેશ રાણાનો ફોટો મોકલી તેને કુત્તે કી મોત મારવાનો છે તેમ જણાવી એક કરોડમાં સોપારી પણ આપી હતી.નેપાળના શેહનાઝ સાથેની ચેટમાં તેણે ઉપદેશને મારવા 9 એમ.એમ ની પિસ્તોલની માંગણી કરી હતી.તે સમયે શેહનાઝે પાકિસ્તાનનો ડોગર હથિયાર મોકલી રહ્યો છે તેવું તેને જણાવ્યું હતું,
તપાસ એજન્સીઓથી બચવા સોહેલ લુડો જેવી ગેમ મારફતે અન્યો સાથે સંપર્ક કરતો હતો
સુરત, : પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સોહેલ તપાસ એજન્સીઓથી બચવા લુડો જેવી ગેમ મારફતે અન્યો સાથે સંપર્ક કરતો હતો.તેઓ તે સમયે વાતચીત દરમિયાન ટાર્ગેટનું નામ લેવાને બદલે તેનું ઉપનામ લઈ વાત કરતા હતા.તેમણે સુરતના ઉપદેશ રાણાનું ઉપનામ ઢક્કન રાખ્યું હતું.સુરત પોલીસ આ પ્રકરણમાં અન્ય તપાસ એજન્સીઓ સાથે પણ સંકલન કરશે તેમજ સોહેલે વાતચીતમાં એક કરોડની સોપારીની વાત કરી હોય કોઈ નાણાકીય વ્યવહારો થયા છે કે કેમ તે જાણવા તપાસ કરવામાં આવશે તેવું પોલીસ કમિશનરે ઉમેર્યું હતું.
સોહેલનો કટ્ટર વિચારધારા વાળા પરિવારમાં ઉછેર થયો છે
સુરત, : સોહેલના માતા-પિતા અને ભાઈ પણ મૌલવી છે.તેના પિતા હાલ હયાત નથી.નાનપણથી જ તે કટ્ટર વિચારધારા વાળા માહોલમાં રહ્યો હોય અને બાદમાં હાફિઝ અને આલીમની તાલીમ લીધી હોય તેની વિચારધારા પણ કટ્ટર છે.
ચાર મહિના પહેલા સુરત ગ્રામ્ય પોલીસે સોહેલની પુછપરછ કરી હતી
સુરત, : ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા સોહેલે ચાર મહિના પહેલા હિન્દુઓની શોભાયાત્રા અંગે સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરતા તેની ગ્રામ્ય પોલીસે પુછપરછ કરી હતી.જોકે, તે સમયે તેની પ્રવૃત્તિ અંગે ગ્રામ્ય પોલીસને વધુ વિગતો મળી નહોતી.