Lok Sabha Elections 2024 | રાજકોટમાં ભાજપે કડવા પટેલ જ્ઞાતિના અને કોંગ્રેસે લેઉઆ પટેલ જ્ઞાતિના ઉમેદવારને લોકસભાની ટિકિટ આપી છે જેને લઈને ‘જય સરદાર, જય માં ખોડલ…જાગો લેઉઆ પટેલો જાગો’એવા નામથી બે પાનાની પત્રિકા વહેંતી કરાતા ગંભીર વિવાદ સર્જાયો છે. આ પત્રિકા સામે ભાજપે પોલીસને ભલામણ કરીને તાલુકા પોલીસમાં  ફરિયાદ નોંધાતા ચાર પાટીદાર યુવાનોની બિનજામીન લાયક ગુનામાં ધરપકડ કરાઈ હતી અને બાદમાં કોર્ટમાં રજૂ કરાતા તેમનો જામીન પર છૂટકારો થયો છે. પરંતુ, આ પત્રિકાથી રાજકોટના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. 

પત્રિકામાં એવો ઉલ્લેખ કરાયો છે કે બે દાયકા પછી રાજકોટ લોકસભા સીટ પર લેઉઆ પટેલ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આપણને સુવર્ણ તક મળી છે. જેનાથી લેઉઆ અને કડવા પાટીદાર સમાજમાં વૈમનસ્ય ફેલાય તેવું ફરિયાદીએ જણાવ્યું છે.  ગત મોડી રાત્રે 11.50 વાગ્યે તાલુકા પોલીસમાં મહેશભાઈ રવજીભાઈ પીપરીયા (રહે.ગાયત્રીપાર્ક મેઈનરોડ)ની ફરિયાદ પરથી આરોપીઓ કેતનભાઈ તાળા, પ્રકાશ વેજપરા, વિપુલભાઈ તારપરા અને દિપ ભંડેરી તથા પત્રિકા તૈયાર કરનાર માણસો અને તપાસમાં ખુલે તે તમામ સામે આઈ.પી.સી.ક. 153 A, 188 114 તથા લોકપ્રતિનિધિત્વ અધિનિયમની ક. 125, 127A (4) હેઠળ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં મુકાયેલા આરોપ મુજબ આરોપીઓએ લેઉઆ અને કડવા પટેલ સમાજ વચ્ચે વૈમનસ્ય ઉદ્ભવે તથા બન્ને સમાજો વચ્ચે મતભેદ ઉત્પન્ન થાય તેવી પત્રિકા લોકોમાં વહેંચી, વાયરલ કરેલ છે. 

આ ગુનામાં આજે ઉપરોક્ત ચાર યુવાનોની અટકાયત કરતા ભારે ધમાસાણ મચ્યું હતુ. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ  પત્રકાર પરિષદમાં એવો આક્ષેપ કર્યો કે ભાજપમાં કેટલાક સંસદસભ્ય બનવાનું સ્વપ્ન જોતા હતા પરંતુ, ઉપરથી તેમને અવસર અપાયો નહીં, અંદરોઅંદરના વિખવાદના પરિણામસ્વરૂપ આ પત્રિકા હોય તેવું જણાય છે અને અમે તેની તટસ્થ તપાસ કરવા માંગણી કરી છે.ખોડલધામ સમિતિ અને કોંગ્રેસને ફસાવવાનો આ કારસો જણાય છે. કોંગ્રેસના સૂત્રોએ ઉમેર્યું કે ભાજપે આ પત્રિકા પરથી ગુનો નોંધાવીને ખોડલધામ યુવા સમિતિના ચાર પાટીદાર યુવાનોની ધરપકડ કરાવી છે પરંતુ, આ જ ભાજપના પરશોત્તમ રૂપાલાએ લાખો ક્ષત્રિયોની લાગણી દુભાવી છતાં તેની સામે હજુ કોઈ ગુનો નોંધ્યો નથી. 

આ અંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું કે આવી પત્રિકા અમારા ધ્યાનમાં આવતા અમે પોલીસને રજૂઆત કરી છે અને આ અંગે પોલીસે ફરિયાદ નોંધીને આરોપીઓની ધરપકડ કરી છે. અમે આ પત્રિકા કોંગ્રેસે છપાવી કે વહેતી કરી તેવું કહેતા નથી પરંતુ, આ પોલીસે શોધી કાઢવું જોઈએ તેવી માંગણી છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *