– બે સંતાનની 42 વર્ષીય માતાનો સોશિયલ મીડિયા મારફત સંપર્ક થયો હતો : 41 વર્ષીય એમ.આર અને કર્મકાંડી બે સંતાનનો પિતા છે
– ઉત્રાણ પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી કર્મકાંડી બ્રાહ્મણની ધરપકડ કરી
સુરત, : સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતી બે સંતાનની 42 વર્ષીય માતાને ઘરના બેડરૂમ અને બાથરૂમ સાથે હોવાથી ઘરમાં વાસ્તુદોષ છે એટલે આર્થિક તંગી રહે છે તેવુ કહી વિધી કરવાના બહાને તેના ઘરે આવી અવારનવાર દુષ્કર્મ આચરનાર 41 વર્ષીય મેડીકલ રીપ્રેઝન્ટેટિવ એવા બે સંતાનના પિતા કર્મકાંડી બ્રાહ્મણની ઉત્રાણ પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતી બે સંતાનની 42 વર્ષીય માતાને ત્યાં ઘણા સમયથી આર્થિક તંગી રહેતી હોય તેણે સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવેલા અને મેડીકલ રીપ્રેઝન્ટેટિવની નોકરી સાથે કર્મકાંડી બ્રાહ્મણ તરીકે પણ કામ કરતા રાહુલ દિનેશભાઈ પંડયા ( રહે.એ/301, શ્રી હરીકૃષ્ણા રેસીડેન્સી, સ્વીટ હોમની સામે, કોસાડ રોડ, અમરોલી, સુરત ) ને સવા ત્રણ વર્ષ અગાઉ વાત કરી હતી.રાહુલ પરિણીતાના ઘરે આવ્યો હતો અને ઘરનું વાસ્તુ જોઈ કહ્યું હતું કે ઘરના બેડરૂમ અને બાથરૂમ સાથે હોવાથી ઘરમાં વાસ્તુદોષ છે એટલે આર્થિક તંગી રહે છે.રાહુલ ત્યાર બાદ વિધી કરવાના બહાને મગના અને અડદના દાણા લાવ્યો હતો અને પરિણીતાને બેડરૂમના દરવાજા વચ્ચે ઉભી રાખી કપાળે જીભથી ચાંદલો કરવો પડશે તેમ કહી કીસ કરવાની કોશીશ કરી હતી.
પરિણીતાએ તેમ કરવા ઈન્કાર કરતા રાહુલે વિધી પુરી જ કરવી પડશે અને જો તું આ વિધી પુરી નહિં કરે તો તારો પતિ મરી જશે અને ઘરમાંથી કોઈનો ભોગ લેવાશે તેમ કહી બાદમાં તે પરિણીતાનો પતિ કામ ઉપર ગયો હોય ત્યારે અને બંને બાળકો સ્કુલે ગયા હોય ત્યારે વિધી કરવાના બહાને ઘરે આવતો હતો.રાહુલે પરિણીતાને પતિને ડિવોર્સ આપવા કહી તેમજ જો ડિવોર્સ નહી આપે તો ફોટા વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.પરિણીતાએ સમાજમાં બદનામીની બીકે કોઈને જાણ કરી નહોતી.જોકે, રાહુલ તેને અવાર નવાર ફોન કરી સબંધ રાખવા દબાણ કરતો હોય આખરે તેણે પોતાના પરિવારજનોને જાણ કરતા તેને પતિએ હિંમત આપી હતી.આ અંગે પરિણીતાએ ઉત્રાણ પોલીસ મથકમાં અરજી કરી હતી.તેના આધારે ઉત્રાણ પોલીસે ગતરોજ રાહુલ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.રાહુલ પણ બે સંતાનનો પિતા છે.