પોલીસે ગણતરીના કલાકોમાં બંને અપહરણકારોને ઝડપી લીધા

રૂપિયા ન મળે તો બંને આરોપીઓએ બાળકને જાનથી મારી નાખવાની તેના પરિવારને ધમકી પણ આપી હતી

રાજકોટ: શાપર (વેરાવળ)માં મામાદેવના મંદિર પાસે ઝુંપડામાં રહેતા અને મજૂરી કરતા પરિવારના ૧૧ વર્ષના પુત્રનું ગઇકાલે બપોરે બાઇક પર સવાર બે શખ્સો અપહરણ કરી ગયા બાદ એક લાખની ખંડણી માગી હતી. જો કે ગણતરીના કલાકોમાં પોલીસે ગોંડલના ઉમવાડા ગામની સીમમાંથી બંને શખ્સોને ઝડપી લઇ અપહૃત બાળકને મૂક્ત કરાવ્યો હતો.

ગઇકાલે બપોરે બાળક ઝુંપડપટ્ટી નજીક રમી રહ્યો હતો ત્યારે બાઇક પર આવેલા બે શખ્સો તેને ઉપાડી ગયા હતા. બાળક પાસેથી તેના પિતાનો મોબાઈલ નંબર મેળવી બંને શખ્સોએ અલગ-અલગ નંબર પરથી કોલ કરી રૂા. ૧ લાખની ખંડણી માગવાનું શરૂ કર્યું હતું.

આખરે સાંજે બાળકના પિતાએ શાપર પોલીસને જાણ કરતાં ગંભીરતા ધ્યાને દઇ તત્કાળ ગુનો નોંધી શાપર પોલીસ ઉપરાંત એલસીબીની ટીમો કામે લાગી હતી. બંને શખ્સોએ જો ખંડણીની રકમ નહીં મળે તો બાળકને પતાવી દેવાની પણ તેના પરિવારને ધમકી આપી હતી.

શાપર પોલીસ અને એલસીબીએ ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરતાં બંને શખ્સો હાલ ગોંડલ તાલુકાના ઉમવાડા ગામની સીમમાં અવાવરૂ અને દુર્ગમ પહાડી વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસની અલગ-અલગ ટીમોએ ખેડૂતના વેશમાં ટ્રેક્ટરમાં બેસી, વિસ્તારને ઘેરી લઇ અપહરણ કરનાર શાંતિલાલ ઉર્ફે શનિ ગુંજન સુધીર ધોળકિયા (ઉ.વ.૨૯, રહે. વિરપુર, તા. જેતપુર, મૂળ ચોરવાડ, તા. માળિયા હાટીના) અને અલ્પેશ ભગાભાઈ મહીડા (ઉ.વ.૨૨, રહે. વેજા ગામ, તા. ગોંડલ)ને ઝડપી લઇ અપહૃત બાળકને હેમખેમ મૂક્ત કરાવ્યો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે બંને આરોપીઓએ પૈસા મેળવવા માટે આ કૃત્ય કર્યું હતું. બંને આરોપીઓ કોઇપણ બાળકને ઉપાડી જઇ તેના પરિવાર પાસેથી પૈસા પડાવવા માગતા હતા. ગઇકાલે બપોરે બંને આરોપીઓ નીકળા ત્યારે ભોગ બનનાર બાળક એકલો જોવા મળતાં તેને ઉપાડી ગયા હતા. 

આરોપી પૈકી શાંતિલાલ ઉર્ફે શનિ અગાઉ બાઇક ચોરીમાં પકડાઇ ચૂક્યો છે. બંને આરોપીઓની પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે. આરોપીઓએ ખંડણી વસૂલવા માટે જુદા-જુદા મોબાઈલ નંબરનો પણ ઉપયોગ કર્યો હતો. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *