Sur Sagar Lake Vadodara : વડોદરા શહેરની મધ્યમાં આવેલા અને શાન સમાન સુરસાગર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થતાં તેના કોથળા ભરી ભરીને સફાઈ કર્મીઓ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. માછલીઓના મોતના કારણે વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઇ છે. તળાવમાં પાણીના ફિલ્ટરેશનની કામગીરી પણ પાલિકા તંત્ર દ્વારા બંધ કરી દેવાઇ છે. માછલીઓના મોતથી જીવ દયા પ્રેમીઓ તંત્ર સામે રોષે ભરાયા છે.
શહેરની મધ્યમાં આવેલા અને વડોદરાની શાન સમા સુરસાગર તળાવનું થોડા સમય પહેલા પાંચ કરોડના ખર્ચે બ્યુટીફિકેશન કરવામાં આવ્યું હતું તેમ છતાં તેની યોગ્ય જાળવણી નહીં કરવામાં આવતા તળાવના પાણી માંથી અવારનવાર દુર્ગંધ ફેલાતી રહે છે તેવી સમયે આજે વહેલી સવારે અસંખ્ય માછલીઓના મોત થતા જીવ દયા પ્રેમીઓએ આક્ષેપ કર્યો હતો કે સુરસાગર તળાવમાં ફિલ્ટરેશન પ્લાન્ટ ચાલતા હતા તે છેલ્લા કેટલાક સમયથી બંધ કરી દેવામાં આવ્યા હોવાને કારણે ઓક્સિજનના અભાવથી આજે અસંખ્ય માછલીઓ મરી ગઈ છે સાથે સાથે મેંદાની ચીજ વસ્તુઓ પણ ઘણીવાર જીવદયા પ્રેમીઓ માછલીઓને ખવડાવતા હોવાને કારણે પણ માછલીઓ મરી ગઈ હોવાનું માનવામાં આવે છે.
આજે અસંખ્ય માછલીઓના મરણ થવાને કારણે આજુબાજુના વિસ્તારમાં દુર્ગંધ ફેલાતા લોકો પરેશાન થઈ ગયા હતા જે અંગે કોર્પોરેશનને જાણ કરવામાં આવતા મરી ગયેલી માછલીઓ કોથળા ભરીને બહાર કાઢવામાં આવી હતી.