સૌરાષ્ટ્રમાં અચાનક આવતા જીવલેણ  હાર્ટ એટેક ચિંતાનો વિષય 

જામનગરમાં ખવાસ જ્ઞાતિના સ્નેહમિલનમાં આવેલા બુઝર્ગનું હાર્ટ બેસી ગયું, ટંકારામા યુવાનને છાતીમાં દુખ્યા બાદ મોત 

રાજકોટ: સૌરાષ્ટ્રમાં અચાનક આવતા અને સારવારની પણ તક ન રહે તેવા જીવલેણ હાર્ટ એટેક દિનપ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહ્યા છે. રાજકોટની જેલમાં પાકા કામના ૩૭ વર્ષના કેદીનું હાર્ટ એટેકથી  મોત નીપજ્યાનું પોલીસમાં જાહેર થયું છે તો ખંભાળિયામાં મંદિરે દર્શન કરવા ગયેલા હોમગાર્ડ યુવાનનું જીવલેણ હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. ગઈકાલે માત્ર રાજકોટમાં ત્રણ યુવાનોના અને આજે સૌરાષ્ટ્રમાં પાંચના મોત નીપજ્યા છે. 

રાજકોટમાં (૧) ભાવેશ પાંચાભાઈ સાંબડ (ઉ.વ.૩૭)ને દુષ્કર્મના ગુનામાં ગુનેગાર સાબિત થતા સજા  પડી છે અને રાજકોટ સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો. આજે સવારે તે બેભાન થઈ જતા તેને સિવિલમાં લાવતા મૃત્યુ પામેલ જાહેર કરાયેલ છે. મૂળ મહુવા પંથકના વતની એવા આ પાકા કામના કેદીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્ર.નગર પોલીસ સૂત્રો એ જણાવ્યું છે. (૨) કાળુ હીરાભાઈ વાસ્તીયા (ઉ.વ.૩૨ રહે. લક્ષ્મીનગર નાલા પાસે, ઝુપડાંમાં) નામનો યુવાન આજે સવારે ઘર નજીક બેભાન થઈ જતા સિવિલમાં મૃત્યુ પામેલ જાહેર કરાયેલ જેનું માલવિયાનગર પોલીસની તપાસમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું ખુલ્યું છે. મૃતક મજુરીકામ કરીને ગુજરાન ચલાવતો હતો. 

ખંભાળિયામાં હોમગાર્ડમાં ફરજ બજાવતા હેમલભાઈ બલવંતરાય દવે નામના ૪૨ વર્ષના યુવાન ફરજ પર જતા પૂર્વે  સવારના સમયે મેઈન બજારમાં આવેલ હરસિધ્ધિ માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે એકાએક હૃદયરોગનો તીવ્ર હુમલો આવતા હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા મૃત્યુ પામેલ જાહેર કરાયેલ છે. આ અંગે પોલીસમાં જાણ કરાઈ હતી. બ્રાહ્મણ યુવાનના અકાળે મૃત્યુથી બ્રહ્મસમાજ અને હોમગાર્ડ વર્તુળમાં ભારે શોકની લાગણી પ્રસરી હતી.

જામનગરમાં નાગનાથ ગેઈટ નજીક ખત્રી ફળીમાં રહેતા અને નિવૃત જીવન જીવતા વિનોદભાઈ બચુભાઈ બાલા (ઉ.વ.૭૩) નામના વૃધ્ધ ટાઉનહોલમાં યોજાયેલા ખવાસ જ્ઞાતિના સ્નેહ મિલનન કાર્યક્રમમાં ગયા હતા અને ખુરશી પર બેઠા હતા ત્યાં ચક્કર આવતા પડી જતા બેશુધ્ધ હાલતમાં હોસ્પિટલે લાવતા તબીબોએહૃદય બંધ પડી જતા મૃત્યુ નીપજ્યાનું જાહેર કર્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ પર આવેલ જીનીંગ મિલના ગ્રાઉન્ડમાં બસીર કાસમ સુઘરા (ઉ.વ.૪૫) નામના યુવાનને છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલે ખસેડાયેલ જ્યાં ડોક્ટરે મૃત્યુ પામેલ જાહેર કરાયેલ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *