– નડિયાદના પરિવારનો આબાદ બચાવ થયો
– તમામ લોકોને ગ્રામજનોએ બહાર કાઢી લેતા જાનહાનિ ટળી
નડીયાદથી ઓડ પરિવાર ટ્રેકટર લઈને લખતર ખાતે ધાર્મિક કાર્યક્રમ તેમજ દર્શનાર્થે આવ્યા હતા અને દર્શન કરી પરિવારના સભ્યો ટ્રેકટરની ટ્રોલીમાં બેસી પરત જઈ રહ્યાં હતાં તે દરમ્યાન માલીકા અને વડલા ગામ વચ્ચે આવેલ સુખડીયા ડેમ પાસે ટ્રેકટરચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર સ્લીપ ખાઈ જતા ટ્રોલી સાથે ડેમમાં ખાબક્યું હતું.
જ્યારે પરિવારના સભ્યોની બુમાબુમ સાંભળી આસપાસના વાહનચાલકો સહિત સ્થાનિક ગ્રામજનો ગણતરીની મીનીટોમાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ટ્રોલીમાં સવાર પરિવારના તમામ સભ્યોને સહિ સલામત પાણીમાંથી બહાર કાઢયા હતા. જેમાં સભ્યોને સામાન્ય ઈજાઓ પહોંચતા જાનહાની ટળી હતી જ્યારે ગ્રામજનો દ્વારા જેસીબી વડે ભારે જહેમત બાદ ટ્રેકટર અને ટ્રોલીને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સુખડીયા ડેમ પાસે આવેલ કોઝવે પર અવાર-નવાર નાના-મોટા વાહનો સ્લીપ ખાઈ જવાથી અકસ્માતના બનાવો અગાઉ પણ બની ચુક્યા છે. ત્યારે આ ડેમ પર પુલ બનાવવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે અગાઉ ગામના આગેવાનો દ્વારા જવાબદાર તંત્રને પુલ બનાવવા માટે રજુઆતો કરી હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં ન આવતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો.