પોરબંદર નજીકના દરિયામાં ‘અલરઝા’ બોટમાંથી
સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપની ટીમે હાથ ધરી તપાસઃ ડ્રગ્સનો જથ્થો શ્રીલંકા લઇ જતા હોવાની પ્રાથમિક કબૂલાત
પોરબંદર: પોરબંદર નજીકના સમુદ્રમાં ‘અલરઝાદ’ બોટમાં ૬૦૨ કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા ૧૪ પાકિસ્તાનીઓને પોરબંદરની કોર્ટમાં રજૂ કરવામાં આવતા તા. ૪ મે સુધીના રીમાન્ડ મંજૂર થયા છે. જ્યારે મહારાષ્ટ્રના પકડાયેલા બે ડ્રગ પેડલરોને બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ભારતીય કોસ્ટ ગાર્ડે ૨૮ એપ્રિલ ૨૪ ના રોજ દરિયામાં ગુપ્ત માહિતી આધારિત એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશન હાથ ધર્યું હતું. પાકિસ્તાનની ‘અલરઝાદ’ નામની એક બોટમાંથી ૧૪ ક્રૂ સાથે રૂા. ૬૦૨ કરોડની કિંમતનો અંદાજે ૮૬ કિલો નાર્કોટિક્સ પકડવામાં આવ્યો હતો.
દેશની સુરક્ષા એજન્સીઓ કોસ્ટગાર્ડ એન્ટી ટેરરીસ્ટર સ્કવોડ અને એનસીબીએ અરબી સમુદ્રમાં મહા ઓપરેશન હાથ ધરીને પોરબંદર નજીકના દરિયામાંથી ૮૬ કિલોથી વધુ ડ્રગ્સના જથ્થા સાથે ૧૪ પાકીસ્તાની ક્રુ મેમ્બર્સને પકડી પાડયા હતા. અને ૧૪ શખ્સોનો કબ્જો લઈ ભારતીય સુરક્ષા એજન્સીની ટીમે પોરબંદર બંદરેથી એસ.ઓ.જી.ની ઓફિસ ખાતે સોંપી દીધા હતા.
પાકીસ્તાનથી ડ્રગ્સ લાવનારા ડ્રગ્સ પેડલરોમાં ૧૯ વર્ષના યુવાનથી માંડીને ૬૫ વર્ષના વૃધ્ધનો સમાવેશ થયો હતો. નાસીર હુસૈન (ઉ.વ.૬ર), મહોમ્મદ સીદીક (ઉ.વ.૬૫), અમીર હુસૈન (ઉ.વ.૪ર), સલલ ગુલામ નબી (ઉ.વ.રર), અમન ગુલામ નબી ઉ.વ.૧૯, બધલ ખાન (ઉ.વ.૩૩), અબ્દુલ રાશીદ (ઉ.વ.૪૬), લાલ બક્ષ (ઉ.વ.૫૦), ચાકર ખાન (ઉ.વ.૧૮), કાદીર બક્ષ (ઉ.વ.૪૦), અબ્દુલ સમાદ (ઉ.વ.૪૦), એમ.હકીમ (ઉ.વ.રપ), નુર મુહમ્મદ (ઉ.વ.૬ર), મુહમ્મદ ખાન (ઉ.વ.૫૬)ની એજન્સીઓ દ્વારા પુછપરછ હાથ ધરાઇ હતી અને પોરબંદર એસ.ઓ.જી.ની ટીમે તેમને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કર્યા હતા.
એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઇ. પી. ડી.જાદવે આપેલી માહિતી મુજબ આ ૧૪ શખ્સોને કોર્ટમાં સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા અને તેમના તા. ૪ મે સુધીના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે હવે રિમાન્ડ દરમિયાન અન્ય વિગતો ખૂલશે. પ્રાથમિક તબક્કે તેઓએ સુરક્ષા એજન્સીઓ પાસે એવી કબુલાત આપી છે કે પાકિસ્તાનના ડ્રગ માફિયા હાજી અસલમ ઉર્ફે બાબુ બલોચ મારફતે કરાંચી બંદરેથી આ નશીલો પદાર્થ લઇને નીકળ્યા હતા. અને શ્રીલંકા પહોંચાડવાનો હતો. પરંતુ તે પહેલા જ રસ્તામાં ફાયરિંગ કરીને કોસ્ટગાર્ડની ટીમે બોટને પકડી પાડી હતી. અને ૮૬ કિલો નશીલો પદાર્થ કે જેની કિંમત ૬૦૨ કરોડ રૂપિયા થાય છે. તે કબ્જે કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન દ્વારા અત્યાર સુધીમાં કેટલો માલ મોકલવામાં આવ્યો અને ક્યાં ક્યાં તેની સપ્લાય કરવામાં આવી સહિતની વિગતો મેળવવામાં આવશે.