ચૂંટણી બહિષ્કારની ચિમકી

30 વર્ષથી પાલિકા તંત્ર ઓરમાયું વર્તન દાખવતું હોવાનો આક્ષેપ

સુરેન્દ્રનગર :  વઢવાણ વિસ્તારમાં આવેલા પાલિકાના વોર્ડ નં.૧૩માં માલધારી સમાજના ખાડુ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાથી રહિશોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગટરોના ગંદા પાણી રસ્તા પર ફરી વળતાં હાલાકી પડી રહી છે. જેને લઈ આ વિસ્તારના લોકોએ આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરવાની ચિમકી ઉચ્ચારી છે. 

વઢવાણ શહેરના વોર્ડ નં.૧૩માં આવેલી નરશી ટેકરી પાછળ ખાડુ વિસ્તારમાં અનેક માલધારી પરિવારો વસવાટ કરે છે. છેલ્લા ૩૦ વર્ષથી આ વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા રોડ, રસ્તા, ગટર, સફાઈ સહિતની સુવિધાઓ આપવામાં ના આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. ભુગર્ભ ગટરના પાણી સાથે પીવાના પાણીની લાઈન મીશ્ર થઈ જતા નળમાં ગંદુ પાણી આવી રહ્યું છે. 

તેમજ ભુગર્ભ ગટરના પાણી ઉભરાઈને રસ્તા પર તેમજ રહેણાંક વિસ્તારમાં ફરી વળતાં વાહનચાલકો સહિત સ્થાનિકોને હાલાકી પડી રહી છે. તેમજ મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાવાની દહેશત પણ સેવાઈ રહી છે. સ્થાનિક સતીષ ગમારા સહિતનાઓના જણાવ્યા મુજબ, છેલ્લા ૩૦ વર્ષથી આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવતી નથી. શરૃઆતથી જ વિસ્તારની અવગણના કરી તંત્ર દ્વારા ભેદભાવ રાખવામાં આવતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. 

વધુમાં દર વખતે ચૂંટણી સમયે રાજકીય આગેવાનો આ વિસ્તારની મુલાકાત લે છે અને ખોટા વાયદાઓ આપે છે. ત્યારબાદ ક્યારેય ફરકતા ન હોવાનું ઉમેર્યું હતું. આથી સમસ્યાઓનો કોઈ જ ઉકેલ ન આવતાં આગામી લોકસભાની ચૂંટણીમાં ખાડુ વિસ્તારનાં રહિશો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *