– કચ્છમાં આ વર્ષે કેસર કેરી ખરીદવી ‘કેસર’ જેવી મોંઘી
– 15 જૂનથી સિઝન શરૂ થશે : હોલસેલના ભાવ 80 થી 90 રહેવા અંદાજ, અંજાર માર્કેટમાં દૈનિક 200 થી 300 પેટી કેરીની આવક
ગાંધીધામ : સમગ્ર ગુજરાતમાં સૌથી સારી કેસર કેરીનો સ્વાદ કચ્છની કેસરનું હોવાનું માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે વિષમ હવામાનના કારણે કચ્છની કેસર કેરી ગરીબો માટે ધકેસરધ ખરીદવા બરાબર થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. કેમાં કે કચ્છમાં હાલની સ્થિતિએ ૪૦ ટકા ઉત્પાદન થાય તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. તો બીજી તરફ કચ્છની સૌથી મોટી માર્કેટ એવી અંજારમાં અત્યારથી જ દૈનિક ૨૦૦-૩૦૦ દાગીના (પેટી) કેસર કેરીની આવક થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે અંજાર માર્કેટના સૌથી મોટા વેપારીઓ પૈકીનાં એક રાજેશ વિઠ્ઠલદાસ પલણના જણાવ્યા મુજબ વિષમ વાતાવરણના કારણે માત્ર કચ્છ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં કેરીનો પાક ૩૫થી ૪૦ ટકા રહ્યો છે. પરિણામે કેસર કેરી ખૂબ મોંઘા ભાવે વેચાઈ રહી છે. હાલમાં કંચ્છમાં જુનાગઢ-ગીર તરફથી દૈનિક ૭૦૦થી ૮૦૦ પેટી કેરીની આવી રહી છે. જેનો ભાવ પણ ખૂબ ઊંચો છે. દરમિયાન અંજારની માર્કેટમાં કચ્છની કેસર કેરીની આવક પણ શરૂ થઈ ગઈ છે. જેમાં દરરોજ ૨૦૦-૩૦૦ દાગીના (પેટી)ની આવક થઈ રહ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. જ્યારે ૧૫ જૂનથી કચ્છની કેસર કેરીની સિઝન શરૂ થઈ જશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું.
તો બીજી તરફ સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા ૪-૫ વર્ષોથી કેરીની સિઝન પૂરી થઈ ગયા બાદ ખેડૂતોએ કેરીનાં વૃક્ષના મૂળમાં કલ્ટર નામનો કેમિકલ નાખવાનું શરૂ કર્યું છે. આ કેમિકલથી કેરીનાં વૃક્ષમાં ૧૫ દિવસ ફાલ સમય કરતાં વહેલો આવે છે. દરમિયાન આ વર્ષે એ પ્રકારનો વિષમ વાતાવરણ ઊભો થયો હતો કે જે ખેડૂતોએ આ કેમિકલ નાખ્યો હતો તેમનો ફાલ બરાબર છે જ્યારે જે ખેડૂતોએ આ કેમિકલનો ઉપયોગ નથી કર્યો તેમનો કેરીનો ફાલ મોટાભાગે બરબાદ થઈ ગયો છે. જેથી હાલની સ્થિતિએ કચ્છમાં પણ દર વર્ષની સરખામણીએ ૪૦ ટકા માલનો ઉત્પાદન થાય તેવું લાગી રહ્યું છે. પરિણામે કેસર કેરીનાં એક કિલોના હોલસેલ ભાવ ૭૦થી ૮૦ રહે તેવો પણ અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો.