અમદાવાદ,
સોમવાર
પાકિસ્તાનમાંથી અરબી સમુદ્રમાંથી ભારતની જળસીમામાંથી પસાર થઇને ભારત તેમજ અન્ય દેશોમાં
મોટાપાયે ડ્રગ્સની હેરફેર કરવામાં આવે છે. એટીએસ , એનસીબી અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા બે દિવસ પહેલા પાકિસ્તાની
બોટમાંથી ૬૦૨ કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું હતું. જ્યારે ફરીથી ત્રણેય એજન્સીઓએ સાથે મળીને દ્વારકા નજીક એક ભારતીય ફિશિંગ બોટમાંથી રૂપિયા
૬૧ કરોડની કિંમતનો હશીશનો ૧૭૩ કિલો જેટલો માતબર
જથ્થો જપ્ત કર્યો હતો. આ અનુસંધાનમાં મહારાષ્ટ્રના ચાર વ્યક્તિ સહિત પાંચ લોકોની અટકાયત
કરી હતી. ઝડપાયેલા આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે મુખ્ય આરોપીઓ સલાયાથી ફિશિંગ માટેની બોટ ભાડે લઇને
પાકિસ્તાનની જળસીમામાં પશની નજીક પહોંચ્યા હતા. જ્યાંથી ડ્રગ્સની ડીલેવરી લઇને દ્વારકા
પરત આવી રહ્યા હતા ત્યારે એટીએસની બાતમીને આધારે ઝડપાઇ ગયા હતા. આ અંગે એટીએસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાત એટીએસના ડીવાયએસપી કે કે પટેલને
ચોક્કસ બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના બીડ અને મુંબઇમાં રહેતા ત્રણ શખ્સો અરબી
સમુદ્રમાં પાકિસ્તાનથી ડ્રગ્સનો મોટો જથ્થો ગુજરાત લાવી રહ્યા છે. જેમાં તેમણે ૨૨ એપ્રિલના
રોજ ફિશિંગના બહાને બોટ ભાડે કરી હતી. જેમાં ડ્રગ્સ લઇને ૨૭મી તારીખે મધરાત્રે દ્વારકા
તરફ આવીને ડ્રગ્સને દ્વારકા નજીક અંતરીયાળ વિસ્તારમાં ઉતારવાને છે. જે બાતમીને આધારે એટીએસ , એનસીબી, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની
સજગ નામની બોટમાં સમગ્ર ઓપરેશન હાથ ધરાયું હતું.
જેમાં દ્વારકાથી નજીક ભારતીય જળસીમામાંથી શંકાસ્પદ બોટને આંતરીને તપાસ કરતા તેના હોલ્ડમાં
છુપાવવામાં આવેલું ૧૭૩ કિલો હશીશ મળી આવ્યું હતું.જેની આંતરરાષ્ટ્રીય બજાર કિમત રૂપિયા
૬૧ કરોડ જેટલી અંદાજવામાં આવી હતી. એટીએસ દ્વારા મંગેશ ઉર્ફે સાહુ આરોટે (રહે. ગઠવણ, ચિત્તલવાઢે, અહમદનગર, મહારાષ્ટ્) અને હરીદાસ
કુલા (રહે. અહેમદનગર, મહારાષ્ટ્ર)ને
બોટમાંથી ઝડપી લીધા બાદ તેમની સાથે સંકળાયેલા કૈલાશ વૈજીનાથ સનપ (રહે.બીડ, મહારાષ્ટ્ર), દત્તા સખારામ અંદાલે
(રહે. ઉલ્હાસનગર, મહારાષ્ટ્ર)ને
દેવભૂમિ દ્વારકાથી અને અલી અસ્ગર આરીફ(રહે.
માંડવી)ને કચ્છથી ઝડપી લેવાયા હતા. આ અંગે માહિતી આપતી ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે કૈલાશ,
દત્તા અને મંગેશ પાકિસ્તાની ડ્રગ્સ માફિયાના
સપર્કમાં હતા. તેમને પાકિસ્તાનમાંથી હશીશની ડીલેવરી લેવાની હોવાથી દ્વારકા અને માંડવી
ગયા હતા. જ્યાં તેમને બોટ પોતાના નામે બોટ ન મળતા દ્વારકા નજીક સલાયાથી ૨૨મી એપ્રિલે
સાંજના સમયે ફિશિંગ કરવાના નામે બોટ ભાડે લીધી હતી. આ બોટમાં મંગેશ અને હરિદાસ સ્થાનિક
માછીમારો સાથે ગયા હતા. બાદમાં બોટને પાકિસ્તાની જળસીમામાં લઇ જવાની સુચના આપી હતી.
પરંતું, બોટના ક્રુ
મેમ્બરે પાકિસ્તાન નજીક જવાની ના પાડતા તેમને મારી નાખવાની ધમકી આપીને અગાઉથી નક્કી
કરાયા મુજબ બોટને પાકિસ્તાનના પશની તરફ લઇ જવામાં આવી હતી. આ સમયે મંગેશ સેટેલાઇટ ફોનની
મદદથી કૈલાશ સાથે સતત સંપર્કમાં હતો. બોટમાં તેઓ ૨૭મી એપ્રિલના રોજ વહેલી સવારે પાકિસ્તાનના
પશનીથી ૧૧૦ નોટીકલ માઇલ નજીક પહોંચ્યા હતા. જ્યાં તેમને સ્પીડ બોટની મદદથી પાકિસ્તાની
ડ્ગ્સ માફિયાએ ૧૭૩ કિલો હશીશ ,
રાશન અને ડીઝલ સપ્લાય કર્યું હતું. આ જથ્થો
લઇને દ્વારકા નજીક આવ્યા બાદ નાની બોટથી અંતરીયાળ વિસ્તારમાં લઇ જવાની યોજના કૈલાશે બનાવી હતી. જો કે તે
પહેલાં જ મેગા ઓપરેશનમાં તમામને ઝડપી લેવામાં
આવ્યા હતા.ગુજરાત એટીએસ દ્વારા વિશેષ ટીમ બનાવીને
સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
કૈલાશે અગાઉ પણ ડ્રગ્સનો મોટો જથ્થો પાકિસ્તાનથી મંગાવ્યો હોવાની
શક્યતા
એટીએસના સુત્રોના જણાવ્યા મુજબ કૈલાશ સનપ પાકિસ્તાનથી ડ્રગ્સ
લાવીને મહારાષ્ટ્રમાં મુંબઇ સહિતના સ્થાનિક
શહેરોમાં સપ્લાય કરવાનું નેટવર્ક ધરાવતો હતો. તેની સાથે દત્તા અને હરીદાસ
તેમજ મંગેશ પણ સંકળાયેલા હતા. પાકિસ્તાનમાંથી અફઘાનીસ્તાનનું ઉચ્ચ ગુણવત્તા વાળુ હશીશ
તેને સારી ડીલમાં મળતું હોવાથી તે ત્યાંથી મંગાવતો હતો. જો કે ડીલેવરી ભારતીય જળસીમામાં લેવા માટે જોખમ હોવાની
સાથે મોંઘુ પડતું હોવાને કારણે ડ્ગ્સની ડીલેવરી પાકિસ્તાન નજીકથી લેતો હતો. તેણે અગાઉ
પણ બોટ ભાડે કરીને હશીશનો જથ્થો ભારતમાં મંગાવ્યો
હોવાની જાણકારી એટીએસને મળી છે.
બોટના માલિકને ડ્રગ્સની હેરાફેેરીના કેસમાં ફસાવી દેવામાં ધમકી
આપીને ચુપ કરી દેવામાં આવતા હતા
કૈલાશ જાણતો હતો કે પાકિસ્તાનથી બોટમાં ડ્ગ્સ લાવવામાં આવે તો
તપાસ એજન્સીઓ બોટના માલિકો સામે પણ કાર્યવાહી કરતી હોય છે. જેથી ફિશિંગના નામે બોટ
ભાડે લીધા બાદ ક્રુ મેમ્બરને ડ્રગ્સના કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપીને ચુપ કરી
દેતો હતો. જેથી પાકિસ્તાનથી ડ્રગ્સ લાવ્યા અંગની માહિતી કોઇ પોલીસ કે અન્ય એજન્સીઓને
આપવામાં બોટના સંચાલકો ગભરાતા હતા.
કૈલાશ સોશિયલ મિડીયાથી પાકિસ્તાની ડ્રગ્સ માફિયાના સપર્કમાં
રહેતો હતો
કૈલાશની પુછપરછમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો હતો કે તે સોશિયલ મિડીયાના વિવિધ પ્લેટફોર્મથી
પાકિસ્તાનની ડ્રગ્સ માફિયાના સંપર્કમા ંરહેતો હતો. જેમાં તે હવાલાથી નાણાં મોકલ્યાનો કોડ આપતો હતો. જે મળ્યા બાદ પાકિસ્તાનથી તેને ડ્રગ્સનો
જથ્થો પેક કરીને લઇ જવા માટે સુચના મળતી હતી.