– પુણામાં પકડાયેલા વન સોલ્યુલ્સન્સ નામે કોલ સેન્ટરનો વોન્ટેડ સંચાલક સુદર્શન ઉર્ફે જાડાએ બે મિત્રો સાથે ઉધના સ્ટેશને યુવાનની હત્યા કરી હતી
– તે સમયે અજાણ્યાઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો : સુદર્શન ઉર્ફે જાડા બે વર્ષ અગાઉ ગોડાદરા પોલીસના હાથે દારૂ પીધેલી હાલતમાં પણ ઝડપાયો હતો
સુરત, : સુરત શહેર પીસીબીએ આઠ મહિના અગાઉ ઝડપેલો કોલ સેન્ટરનો સંચાલક રેલવે પોલીસમાં સાત વર્ષ અગાઉ નોંધાયેલા હત્યાના ગુનામાં પણ વોન્ટેડ હોય એસઓજીએ તેને ઝડપી લીધો છે.બે વર્ષ અગાઉ ગોડાદરા પોલીસના હાથે દારૂ પીધેલી હાલતમાં પણ ઝડપાયેલા અને હાલ બેકાર યુવાન અને તેના બે મિત્રોએ ઉધના રેલવે સ્ટેશન ઉપર ટ્રેનના જનરલ કોચનો દરવાજો ખોલવા બાબતે ઝઘડો થતા એક યુવાનની હત્યા કરી હતી.
એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ મેરૂભા અને હર્ષદભાઈ નવઘણભાઈને મળેલી બાતમીના આધારે પીએસઆઈ એ.પી.જેબલીયા અને ટીમે લીંબાયત નીલગીરી સર્કલ પાસેથી સુદર્શન ઉર્ફે સુઘ્યા ઉર્ફે જાડા પ્રભાશંકર ઉર્ફે પ્રભાકર પાટીલ ( ઉ.વ.27, રહે.ઘર નં 47/બી, રત્નપ્રભા સોસાયટી, લેન નં.1, પરવત ગામ, લીંબાયત, સુરત. મૂળ રહે.ચોરવડ, તા.પારોળા, જી.જલગાંવ, મહારાષ્ટ્ર ) ને ઝડપી લીધો હતો.હાલ બેકાર સુદર્શન ઉર્ફે જાડાની એસઓજીએ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે વર્ષ 2017 માં સોસાયટીમાં રહેતો તેનો મિત્ર સાગર મહારાષ્ટ્ર ખાતે લગ્નપ્રસંગમાં હાજરી આપવા જવાનો હોય તે અન્ય બે મિત્રો મુકેશ કેરી અને સતીષ કાલીયા સાથે તેને મુકવા ઉધના રેલવે સ્ટેશન ગયા હતા.જોકે, સુરત-ભુસાવળ પેસેન્જર ટ્રેનના જનરલ કોચમાં ભીડના લીધે પેસેન્જર દરવાજો ખોલતા ન હોય તેમની સાથે ત્રણેયનો ઝઘડો થયો હતો.તે સમયે બે યુવાન ટ્રેનમાંથી નીચે ઉતર્યા હતા અને ઝઘડો વધી જતા ત્રણેયે તે બંનેને માર મારી એક યુવાનના જાંઘના ભાગે ચપ્પુ મારતા તેને ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન તે મોતને ભેટ્યો હતો.
તે સમયે રેલવે પોલીસે અજાણ્યાઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.પણ કોઈ ઝડપાયું નહોતું.સુદર્શન ઉર્ફે જાડા પીસીબીએ આઠ મહિના અગાઉ પુણા ભૈયાનગર પાસે કર્મા કોર્પોરેશન બિલ્ડીંગમાં આવેલી વન સોલ્યુસન્સની ઓફિસમાં રેઈડ કરી વર્ક ફ્રોમ હોમના નામે લોકોને ડેટા એન્ટ્રીનું કામ આપી તેમને છેતરી તેમને કોર્ટ કેસ અને પોલીસ કેસ કરવાની ધમકી આપી પૈસા પડાવતા જે કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો હતો તેનો સંચાલક હતો.પીસીબીની રેઈડના સમયે તે વોન્ટેડ હતો.પણ બાદમાં આગોતરા જામીન સાથે તે હાજર થયો હતો.સુદર્શન ઉર્ફે જાડા બે વર્ષ અગાઉ ગોડાદરા પોલીસના હાથે દારૂ પીધેલી હાલતમાં પણ ઝડપાયો હતો.એસઓજીએ તેનો કબજો રેલવે પોલીસને સોંપ્યો છે.