અમદાવાદ,
રવિવાર
ભારતમાંથી મોબાઇલ સીમ કાર્ડ ખરીદીને તેમાં વોટ્સએપ એક્ટીવ કરીને
પાકિસ્તાનમાં મંગાવ્યા બાદ વોટ્સએપ મારફતે ભારતીય સેના સાથે સંકળાયેલા સૈનિકો કે અધિકારીઓને
વાયરસ મોકલીને ફોન હેક કરીને સંવેદનશીલ માહિતી મેળવવામાં આવતી હોવાના કૌભાડનો પર્દાફાશ
કરાયો છે. ગુજરાત એટીએસ દ્વારા જામનગરના બેડી ગામમાં રહેતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં
આવી છે. જેણે ખરીદેલા સીમ કાર્ડની મદદથી પાકિસ્તાની જાસુસોએ ભારતીય વાયુ સેનાના એક
સૈનિકનો મોબાઇલ ફોન હેક કરીને સંવેદનશીલ માહિતી મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. એટીએસ દ્વારા થોડા મહિના પહેલા ભારતીય સીમ કાર્ડને પાકિસ્તાનમાં
મોકલીને વોટ્સએપ દ્વારા ભારતીય સેનાની જાસુસી કરવાના એક કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો. જેમાં પાકિસ્તાની હિંદુ નાગરિક કિશોર રામવાણી અને
આણંદના તારાપુરમાં રહેતા લાભશંકર મહેશ્વરીની સંડોવણી બહાર આવી હતી. જેમાં ભારતીય સીમ
કાર્ડને એક્ટીવ કરીને લાભશંકર મહેશ્વરીએ તેની બહેન સુશીલા મારફતે પાકિસ્તાન મોકલ્યું
હતું. જે સીમ કાર્ડનો ઉપયોગ પાકિસ્તાની જાસુસી સંસ્થાએ કરીને વોટ્સ એપ મારફતે ભારતના
કારગીલ જમ્મુ કાશ્મીર એરફોર્સમાં સિપાહી તરીકે
ફરજ બજાવતા સંતોષકુમાર ભાટીયાના વોટ્સએપ પર
એક લીંકની મદદથી માલવેર વાયરસ મોકલ્યો હતો. જેની મદદથી ફોનનું એક્સેસ લઇને સંવેદનશીલ
માહિતી મેળવવા માટેનો પ્રયાસ કરાયો હતો. આ કેસની તપાસમાં એટીએસના ડીવાયએસપી એસ એલ ચૌધરીએ સીમ કાર્ડની
ખરીદી કરનાર મોહમંદ સકલૈન ઉંમર (રહે. ભાડેલા માતા ચોક, બેડી ગામ, જામનગર)ને ઝડપી લીધો હતો.તેણે
સીમ કાર્ડ ખરીદીને અસગર મોદી નામના વ્યક્તિના મોબાઇલમાં એક્ટીવ કર્યું હતું. આમ, ભારતમાંથી પાકિસ્તાની
જાસુસી સંસ્થા અને આર્મી દ્વારા સીમ કાર્ડ મેળવીને વોટ્સએપ મારફતે ભારતીય સેનાની જાસુસી
કરવામાં આવતી હતી. આ અંગે એટીએસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.