Lok Sabha Elections 2024 : લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. તમામ નેતાઓ પોતાની વિરોધી પાર્ટી અને નેતાઓ વિશે નિવેદન આપી રહ્યા છે. રવિવારે મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (Shivraj Singh Chauhan) પણ ગ્વાલિયરમાં એક જાહેરસભામાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે જનમેદનીને સવાલ કરતા કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, શું આપણે કોંગ્રેસ પાસેથી સારાની આશા રાખી શકીએ? તેમણે 2023ની મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પર પણ કટાક્ષ કર્યો હતો.
‘મામા અભી જિંદા હૈ’
શિવરાજ સિંહે ગત વિધાનસભાની ચૂંટણીના પરિણામો મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધી કહ્યું કે, વિધાનસભાની ચૂંટણી દરમિયાન સતત એવી વાતો થતી હતી કે, કોંગ્રેસની સરકાર આવશે. અમારા (ભાજપ)ના કેટલાક નેતાઓ પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. તેમણે કોંગ્રેસના નેતાઓ પર કટાક્ષ કરતાં કહ્યું કે, કેટલાક લોકોએ સૂટ પણ સિવડાવી લીધા હતા કે, મંત્રીમંડળ મળવાનું છે, પરંતુ તેઓ જાણતા ન હતા કે ‘મામા અભી જિંદા હૈ’. આ કોંગ્રેસ (Congress) કોઈનું પણ ભલું કરી શકતી નથી.
ભાજપે વિધાનસભાન ચૂંટણીમાં જંગી જીત મેળવી હતી
BJPએ ગયા વર્ષના અંતમાં મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત મેળવી હતી. ચૂંટણીઓમાં ભાજપે 230 બેઠકોમાંથી 163 બેઠકો જીતીને સરકાર બનાવી છે. ચૂંટણીના પરિણામો બાદ રાજ્યના મુખ્યમંત્રીના ચહેરાને લઈને ઘણા દિવસો સુધી ચર્ચા ચાલી રહી હતી. ત્યારબાદ ભાજપે ધારાસભ્ય ડો.મોહન યાદવને મુખ્યમંત્રી પદ સોંપ્યું હતું. ત્યારબાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપે શિવરાજ સિંહ ચૌહાણને કેન્દ્ર સરકારમાં મોટી જવાબદારી આપવાની તૈયારી કરી છે, તેથી તેમને વિદિશા લોકસભા બેઠક પરથી પણ ટિકિટ આપવામાં આવી છે.