– પ્રફુલ્લ પટેલને પ્રશાસક નહીં પણ રાજા ગણાવી કહ્યું કે, અહીં ૭૦-૮૦ વર્ષ પહેલા જે થતું હતુ તે આજે થઇ રહ્યું છે, પ્રજાને હેરાન કરાય છે
વાપી: મોટી દમણ ખાતે કોંગ્રેસના ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે આવેલા રાહુલ ગાંધીએ દિલ્હીથી બેસાડેલા પ્રફુલ્લ પટેલને પ્રશાસક નહી પણ રાજા ગણાવ્યા હતા. પોતાની મનમાની ચલાવે છે, લોકોની ચિંતા કરવાને બદલે હેરાન કરાય છે, અમારી સરકાર આવશે તો પ્રફુલ્લ પટેલને ૧૫ મિનિટમાં હટાવી કાર્યવાહી કરીશું એમ કહી ભાજપ અને આરએસએસ સંવિધાન અને લોકતંત્ર ખતમ કરી રહ્યું હોવાનું જણાવ્યું હતુ.
મોટી દમણ લાઇટ હાઉસ નજીક સભાને સંબોધતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, હિન્દુસ્તાનમાં અલગ-અલગ પ્રદેશ અને અલગ-અલગ ભાષા છે. ઇતિહાસ અને કલ્ચર છે, તેની રક્ષા થવી જોઇએ. ચૂંટણીમાં બે વિચારધારા છે, અમે સંવિધાનની રક્ષા કરી રહ્યા છે તો ભાજપ અને આરએસએસનું એક જ લક્ષ્ય છે કે, સંવિધાન અને લોકતંત્રને યેનકેન રીતે ખતમ કરવાનું. તમારી મુસીબત એ છે કે, તમારા માથા પર નરેન્દ્ર મોદીએ દિલ્હીથી બેસાડેલા પ્રફુલ્લ પટેલ પ્રશાસક નહી પણ રાજા છે. તેઓને ખુલ્લો દોર આપી દેવાતા રાજાની જેમ મનમાની કરી લોકોને પરેશાન કરી રહ્યા છે. અહીં ૭૦ થી ૮૦ વર્ષ પહેલા જે થતું હતુ તે આજે થઇ રહ્યું છે. મનમાં આવે તેમ કરી રહ્યા છે. તમને અધિકાર મળવો જોઇએ. તમારે પોતાની સિસ્ટમ ચલાવવી જોઇએ. અમારી સરકાર આવશે તો પ્રફુલ્લ પટેલને ૧૫ મિનિટમાં હટાવી કાર્યવાહી કરીશું.
વધુમાં કહ્યું કે, ભાજપ ૨૦થી ૨૨ અરબપતિઓને સાચવી રહી છે, અરબપતિના દેવા માફ કર્યા પણ કિસાનોના દેવા માફ કર્યા નથી. લોકોની કોઈ ચિંતા નથી. યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલર તરીકે આરએસએસના રાજાઓને બેસાડી દીધા છે, આ લોકોને શિક્ષણનું જ્ઞાાન નથી, તો તમારૂ શું ભલુ કરી શકે ? એમ કહી નોટબંધી અને જીએસટીથી લોકોને ફાયદો થયો નથી ફક્ત અરબપતિને જ ફાયદો કરાયો છે. કોંગ્રેસ સત્તામાં આવશે તો લખપતિ યોજના બનાવાશે, જેમા મહિલાઓના બેંક ખાતામાં વર્,ે એક લાખ જમા થશે. બરોજગાર યુવાનોને એક વર્ષ સુધી એપ્રેન્ટીસ તરીકે નોકરી આપી પગભર કરી કિસાનોના દેવા માફ કરાશે.
રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર આકરા પ્રહારો કરી કહ્યું કે, માત્ર અરબપતિઓનું હિત સાચવવામાં આવે છે. અમારી સરકાર આવશે તો માછીમારોને ડિઝલ સબસીડી સહિતની સુવિધા અપાશે.