Lok Sabha Elections 2024 | કર્ણાટકના ચામરાજનગરના ભાજપ સાંસદ વી શ્રીનિવાસ પ્રસાદનું રવિવારે રાત્રે બેંગલુરુની એક હોસ્પિટલમાં અચાનક નિધન થઈ જતાં ભાજપને મોટું નુકસાન થયું. તેઓ 76 વર્ષના હતા અને છેલ્લા 4 દિવસથી આઈસીયુમાં દાખલ હતા.
ઘણી બીમારીઓથી પીડિત હતા…
માહિતી મુજબ શ્રીનિવાસ ઘણી બીમારીઓથી પીડિત હતા. તેમની તબિયત બગડ્યા બાદ તેમને બેંગલુરુની મણિપાલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં મલ્ટી ઓર્ગન ફેલ્યોર થવાને કારણે તેમનું નિધન થયું હતું. તેમણે હાલમાં જ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.
2 વખત ધારાસભ્ય અને 6 વખત સાંસદ રહ્યાં
તેઓ 6 વખત ચામરાજનગરથી સાંસદ અને 2 વખત ધારાસભ્ય રહ્યા હતા. શ્રીનિવાસે પોતાની રાજકીય કારકિર્દી 1976માં જનતા પાર્ટીથી શરૂ કરી હતી. આ પછી તેઓ 1979માં કોંગ્રેસમાં જોડાયા. ભાજપમાં જોડાતા પહેલા તેઓ જેડીએસ, જેડીયુ અને સમતા પાર્ટીમાં રહી ચૂક્યા હતા.
રાજકીય કારકિર્દી કેવી રહી…
શ્રીનિવાસનો જન્મ 6 જુલાઈ 1947ના રોજ અશોકપુરમ, મૈસૂરમાં થયો હતો. તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે પ્રથમ ચૂંટણી લડ્યા હતા. બાળપણથી જ સંઘ અને એબીવીપીમાં સક્રિય હતા. તેમના જીવનકાળમાં કુલ 14 ચૂંટણી લડ્યા હતા, જેમાંથી તેમણે 8માં જીત મેળવી હતી. તેઓ ચામરાજનગરથી 9 લોકસભા ચૂંટણી લડ્યા હતા અને 6 જીત્યા હતા. ભાજપના દિવંગત સાંસદ 1999માં તત્કાલીન પીએમ અટલ બિહારી વાજપેયીની સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ રહ્યા હતા. આ સિવાય તેઓ કર્ણાટકના મહેસૂલ મંત્રી પણ હતા.