રાજકોટ પાસે શ્રેણીબધ્ધ હળવા આંચકા પછી હવે
તલાલાથી ૧૭ કિ.મી.અંતરે ૨.૮નો ધરતીકંપ નોંધાયો, સૌરાષ્ટ્રના પેટાળમાં હીલચાલ વધી, અનેક ફોલ્ટ સક્રિય થઈ રહ્યાનું અનુમાન
રાજકોટ: ગુજરાતમાં એપ્રિલ માસમાં પૃથ્વીના પેટાળમાં ભૂકંપની ગતિવિધિઓ વધી રહી છે. રાજકોટ અને ગોંડલ વચ્ચે શાપરવેરાવળ,પડવડા પંથકમાં ઉપરાઉપરી આઠથી દસ હળવા આંચકા બાદ આજે બપોરે એક વાગ્યે સાસણગીર પાસે તીવ્ર ધરતીકંપ નોંધાયો છે. રાજ્યમાં આ સાથે ચાલુ મહિનામાં આ આઠમો નોંધપાત્ર ધરતીકંપ છે અને તે સિવાય હળવા આંચકા અનેક આવી ગયા છે.
આઈ.એસ.આર.માં નોંધાયા મૂજબ તલાલાથી ૧૭ કિ.મી.દૂર ઉત્તરે, બોરવાવ,ભોજદે પછી સાસણ ગીર નજીક ૨૧.૧૭૧ અક્ષાંસ અને ૭૦.૬૩૧ રેખાંશ પર જમીનથી માત્ર ૫.૯ કિ.મી. ઉંડાઈએ આ કંપન ઉવ્યું હતું અને તેની તીવ્રતા રિચર સ્કેલ પર ૨.૮ની નોંધાઈ છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા અમરેલીના મિતીયાળા, તાજેતરમાં શાપર વેરાવળ પંથકમાં ભૂકંપનો સિલસિલો શરુ થયો હતો. આ અંગે રિસર્ચ સેન્ટર દ્વારા સંશોધન પણ કરવામાં આવ્યું છે જેમાં પોલાણ ધરાવતા ખડકો તૂટવાથી કે ફોલ્ટના કારણે આ આંચકા આવી રહ્યાનું તારણ નીકળ્યું હતું. વોટર ટેબલમાં વધઘટ પણ આ માટે જવાબદાર હોવાનું અનુમાન છે. જો કે વૈગ્નાનિકોએ જાહેર કર્યા પ્રમાણે ભૂકંપની આગાહી શક્ય નથી પરંતુ, સૌરાષ્ટ્રમાં આવતા ભૂકંપો જમીનની ઉપરી સપાટીએ છે અને તેનાથી જાનમાલને મોટા નુક્શાનની ભીતિ જણાતી નથી.
એપ્રિલ માસના ૨૩ દિવસમાં ખાસ કરીને કચ્છ-સૌારષ્ટ્રમાં ૮ નોંધપાત્ર ભૂકંપો જાહેર થયા છે અને તે ઉપરાંત નાના આંચકા અસંખ્ય આવ્યા છે. જેમાં (૧) તા.૪ એપ્રિલે ભચાઉ પંથકમાાં ૨.૯ની તીવ્રતાનો (૨) તા.૯ એપ્રિલે ભાવનગર પંથકમાં ૩.૨ની તીવ્રતા (૩) તા.૧૪ એપ્રિલે ખાવડા પંથકમાં ૨.૯ (૪) તા.૧૭ એપ્રિલે ભચાઉ પંથકમાં ૨.૮ (૫) અને આશરે સાડાત્રણ માસમાં સૌથી વધુ તીવ્રતા ૩.૭નો ભૂકંપ ૧૮ એપ્રિલે ખાવડા પંથકમાં (૬) ગત તા.૧૯ના રાજકોટથી ગોંડલ તરફ ૧૬ કિ.મી.ના અંતરે ૨.૯ની તીવ્રતાનો (૭) ગઈકાલે તા.૨૫ના કચ્છના ગઢશીશા પંથકમાં ૨.૯ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો અને આજે તલાલા પંથકમાં ધરતીકંપ નોંધાયો છે.