વડોદરાઃ સયાજીગંજ વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં આગ લાગતાં અફરાતફરી સર્જાઇ હતી.ફાયર બ્રિગેડની સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
સયાજીગંજ વિસ્તારમાં બીબીસી ટાવર સામેના કોમર્શિયલ ટાવરના છઠ્ઠા માળે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો લોન પ્રોસેસ સહિતના કામો માટેનો ફ્લોર આવેલો છે.આજે સાંજે પાંચેક વાગે તેમાંથી ધુમાડા નીકળતાં ફાયર બ્રિગેડની ટીમો પહોંચી હતી.
પાંચ ફાયર એન્જિન દ્વારા આગ કાબૂમાં લેવાની કામગીરી કરવામાં આવી હતી.આ માટે ધુમાડા કાઢવા કેટલીક તોડફોડ પણ કરવામાં આવી હતી.આજે રજા હોવાથી બેન્કમાં કોઇ હાજર નહતું અને તેથી કોઇ જાનહાનિ થઇ નહતી.
ઉપરના ફ્લોર પર હોટલ આવી હોવાથી ધુમાડા છવાતાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.ફાયર બ્રિગેડ દ્વારા બીએ સેટ પહેરીને કામગીરી કરવામાં આવી હતી.જ્યારે,ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓ પણ ફાયર બ્રિગેડની કામગીરીમાં અડચણ ના પડે તે માટે મદદરૃપ થયા હતા.