વડોદરા,તિલકવાડા મણી નાગેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થતી નર્મદા નદીમાં નાહવા ગયેલા યુવક પર મગરે હુમલો કર્યો હતો. બચી ગયેલા યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
તિલકવાડામાં રહેતો ૨૩ વર્ષનો અમિત જગદીશભાઇ તડવી છૂટક મજૂરી કામ કરે છે. ગત તા.૨૪ મી એ બપોરે ત્રણ મિત્રો સાથે તે તિલકવાડા નર્મદા પરિક્રમા રૃટ પર આવેલા મણી નાગેશ્વર મંદિર નજીકથી નદીમાં નાહવા માટે ગયો હતો. ચારેય મિત્રો નદીમાં નાહતા હતા. તે સમયે અચાનક મગરે હુમલો કરી તેનો જમણો પગ પકડી લીધો હતો. અચાનક થયેલા હુમલાના કારણે ગભરાઇ ગયેલા અમિતે બૂમાબૂમ કરી હતી. નજીકમાં જ નાહતા તેના મિત્રો તરત પાણીની બહાર નીકળીને અમિતને બહાર ખેંચવા લાગ્યા હતા. તેઓએ પણ બૂમાબૂમ કરતા મગર અમિતનો પગ છોડીને પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. અમિતને સૌ પ્રથમ તિલકવાડા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ રાજપીપળી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે બપોરે તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.